વડોદરા :અમેરિકાના એટલાન્ટા સિટીમાં રહેતા અને મૂળ આણંદના વતની પિનલ પટેલની અશ્વેતો દ્વારા ગોળી મારી હત્યા કરવામાં આવી છે. આ ઘટનામાં તેમના પત્ની અને દીકરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાનું પણ સામે આવ્યું છે. પિનલ પટેલ અને તેમનો પરિવાર સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલો સત્સંગી પરિવાર છે. જેને લઈને પિનલ પટેલને મુખાગ્ની પણ ઘનશ્યામપ્રકાશદાસ સ્વામી આપશે તેમ વડોદરાના દર્શન સ્વામીએ જણાવ્યું છે. આ ઘટનાને પગલે વડોદરામાં પિનલ પટેલની આત્માને શાંતિ માટે પ્રાર્થના કરાઈ.
ગો બેક...ગો બેક કહી પ્રતિકાર કર્યો હતોઆણંદ પાસેના કરમસદના મૂળ વતની અને અમેરિકાના એટલાન્ટા સિટીમાં વર્ષ 2003થી રહેતા 52 વર્ષીય પિનલ પટેલ સ્ટોર ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત શુક્રવારે તેઓ તેમજ પત્ની 50 વર્ષીય રૂપલ અને 17 વર્ષીય પુત્રી ભક્તિ બહાર ગયાં હતાં. એ પછી તેઓ ત્યાંથી પરત પોતાના ઘરે આવ્યા હતા, ત્યારે તેમના ઘરમાં અશ્વેત ચોર ઘૂસી આવ્યા હતા. તેથી પિનલ પટેલે ગો બેક... ગો બેક કહીને ચોરનો પ્રતિકાર કર્યો હતો. પરંતુ બંદૂકધારી લૂંટારાઓએ પિનલ પટેલ તથા તેમની પત્ની અને પુત્રી પર આધેડ ગોળીબાર કર્યો હતો. જેમાં પિનલ પટેલનું મૃત્યુ થયું, જ્યારે રૂપલબેન અને ભક્તિને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
અશ્વેતો દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં મૃત્યુ :વાઘોડિયા-ડભોઇ રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિર લોયા ધામ વડોદરના દર્શન સ્વામીએ જણાવ્યું હતું કે, પિનલ પટેલ અને તેમના પરિવાર સ્વામિનારાયણ સંપ્રદાય સાથે વર્ષોથી સંકળાયેલ સત્સંગી પરિવાર છે. અશ્વેતો દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં પિનલ પટેલને પગથી કમર સુધીના ભાગમાં લગભગ દસ ગોળી વાગી હતી. તેમની દીકરી અને પત્નીને પણ ગોળીઓ વાગી છે. દીકરી ભક્તિએ હિંમત કરીને પોતે ઇજાગ્રસ્ત હોવા છતાં પોતાનું સ્વેટર કાઢી પિતાને ઇજાઓ થઇ હતી ત્યાં બાંધ્યું હતું. પરંતુ કમનસીબે પિનલ પટેલનું ઘટનાસ્થળે મૃત્યું થયું. જે અંગે દીકરી ભક્તિએ તેના મામા સંજીવકુમારને ફોન કરી જાણ કરી હતી. હાલમાં રુપલબેન અને ભક્તિની સફળ સર્જરી કરવામાં આવી છે અને બંનેની સ્થિતિ સારી છે.