- સાવલીમાં નીલ ગાયના બચ્ચાને શ્વાનોએ ફાડી ખાતા મોત
- સારવારના અભાવે મોત થયું હોવાના આક્ષેપ
- પશુ પ્રેમીઓમાં સાવલી વનવિભાગની કામગીરી સામે રોષ ફેલાયો
વડોદરાઃ સાવલીમાં ઉત્તરાયણપર્વમાં પતંગના દોરા થકી ઇજા પામેલાં પશુ પક્ષીની સારવાર અને રેસ્ક્યુ માટે જીવદયાપ્રેમી સંસ્થા GSPCA દ્વારા કેમ્પનું આયોજન કરાયું હતું. જ્યાં એક નીલગાયના બચ્ચાને જંગલી કૂતરાઓએ ઇજાગ્રસ્ત કર્યાનો કોલ આવતાં ભાદરવાની જીવદયા પ્રેમી ટીમના કાર્યકરો પહોંચ્યા હતા, પણ સાવલી વનવિભાગના અધિકારીઓનો સમયસર સહકાર અને સારવારના અભાવે નીલ ગાયના બચ્ચાને બચાવી શકાયું ન હતું.
સાવલીમાં કૂતરાઓએ હુમલો કરતા નીલ ગાયના બચ્ચાનું મોત મૃત નીલ ગાયના બચ્ચાની સંસ્થાના કાર્યકરોએ દફનવિધિ કરી
ઉત્તરાયણના તહેવારને અનુલક્ષીને સાવલી તાલુકામાં કાર્યરત જીવદયા પ્રેમી સંસ્થા GSPCA ના કાર્યકરો દ્વારા પતંગ દોરાથી ઇજાગ્રસ્ત પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરી સારવાર માટેના કેમ્પનું આયોજન સાવલી પોલીસ મથકની સામે કરાયું છે. જયાં સાવલી તાલુકાના પોઇચા રાણીયા ગામના કોતરમાં એક નીલ ગાયના બચ્ચાને કૂતરા દ્વારા બચકાં ભરી હુમલો કરી ઇજાગ્રસ્ત કર્યો હતો જેનો ફોન કોલ સાવલીના GSPCA સંસ્થાના કાર્યકર ભરતભાઈને મળતા તેઓએ તાબડતોડ પહોંચી જઈ નીલગાયના બચ્ચાંને બચાવવા પ્રયત્ન હાથ ધર્યો હતો.
વન વિભાગની સારવાર કરવામાં પાછી પાની
ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા બચ્ચાની મેડિકલ સારવાર આપી શકાય તેમ ન હોવાથી ભરતભાઈ દ્વારા અનિલભાઈને જાણ કરી સઘળી હકીકત વર્ણવતા અનિલ ભાટિયા દ્વારા સાવલી આર.એફ.ઓ કિંજલ જોશીને જાણ કરતા પોતે હાલ રજા પર હોવાથી ફોરેસ્ટર પટેલનો સંપર્ક કરો એમ જણાવ્યું હતું. જ્યારે પટેલનો સંપર્ક કરતા કિંજલબેનનો સંપર્ક કરવો હું કઈ રસ્તો કરું છું તેમ "જા કુત્તે બિલ્લી કો માર" અને "વર મરો કન્યા મરો" મારું તરભાણું ભરો જેવો ઘાટ ઘડતાં આખરે નીલગાયને બચાવવામાં કલાકો વીતી જતા ઇજાગ્રસ્ત બચ્ચાંને વન વિભાગની આશા હતી કે આવશે અને મને બચાવશે તેવી પ્રબળ આશા સાથે સાથે ખુલ્લી આંખે ફોરેસ્ટ ખાતાની રાહ જોતા જીવ ગુમાવ્યો છે. જ્યારે પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થા GSPCA દ્વારા સમયસર સ્થળ પર પહોંચી જઈ નીલગાયના બચ્ચાંની સારવાર માટે સક્ષમના હોય જેથી તેને વડોદરા રેસ્ક્યુ સેન્ટર ખાતે મોકલાવવું જરૂરી હતું. જે આ કામગીરી ફોરેસ્ટ વિભાગને કરવાની હોય છે, પરંતુ ફોરેસ્ટ ખાતું સમયસર ન પહોંચતાં અને સંસ્થા દ્વારા પહોંચી જઈ પોતાની ઉત્તમ કામગીરીનું એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. પરંતુ પાંગડી નીવડેલી સાવલી વનવિભાગના પાપે આજે અબોલ નીલ ગાયનું બચ્ચું આખરે મોતને ભેટયું છે.