વડોદરા: ગત રવિવારે ચાંદોદના ભીમપુરાના નર્મદા કિનારે નદીમાં સ્નાન કરવા જતા એક જ પરિવારના ત્રણ વ્યક્તિઓ તણાઇ ગયા હતા. જેમાંથી એકને બચાવી લેવાયો હતો. જ્યારે આ પરિવારમાંથી માતા-પુત્રી નદીના પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ જતા લાપતા થયા હતા.
ડભોઇના ચાંદોદ ગામ નજીક લાપતા થયેલા માતા-પુત્રીની હજી કોઈ ભાળ નહી, NDRF દ્વારા શોધખોળ હાથ ધરાઇ
ડભોઇ તાલુકાના ચાંદોદ પાસે આવેલા ભીમપુરા ગામના નદીકિનારે એક માતા-પુત્રી ડૂબી ગયા હોવાની ઘટનાના 24 કલાક બાદ પણ કોઇ વિગતો સામે ન આવતા વડોદરા NDRFની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
સ્થાનિક નાવિકો તથા તરવૈયાઓ દ્વારા તેમની તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનાના પગલે ચાંદોદ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી કાર્યવાહી હાથ ધરી હતી. જોકે 24 કલાક બાદ પણ માતા-પુત્રીનો પતો ન લાગતા NDRFની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પરિવારજનોમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું છે. બનાવના પગલે તીર્થસ્થાન ચાંદોદ નજીકના ભીમપુરા ગામના યમહાસ મંદિરના ઘાટ પર ભીમપુરા બસ સ્ટેન્ડ વિસ્તારમાં રહેતુ આ કુટુંબ સ્નાન કરવા ગયું હતું.
પરંતુ, હાલ નદીમાં પાણી વધુ હોવાને લીધે અને પાણીના પ્રચંડ પ્રવાહને કારણે સ્નાન દરમિયાન પરિવારના ત્રણ સભ્યો તણાવા લાગ્યા હતા. જેમાંથી 30 વર્ષીય માતા સોનલબેન કિરણભાઇ વસાવા તથા 14 વર્ષીય પુત્રી ખુશી કિરણબેન વસાવા બંને પાણીના ધસમસતા પ્રવાહમાં દૂર સુધી તણાઈ જતા પાણીમાં લાપતા થયા હતા. જ્યારે 9 વર્ષીય ભત્રીજો જતીન વસાવાને નાવિકોએ તણાતા બચાવી લીધો હતો.