- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે 17 પ્રોજેક્ટનું કર્યું લોકાર્પણ
- પ્રવાસીઓ કેવડિયાની મુલાકાત દરમિયાન કરી શકશે ચીજવસ્તુની ખરીદી
- ન્યુટ્રિશન પાર્કમાં બાળકોને જ્ઞાન સાથે મળશે ગમ્મત
- નર્મદા નદીમાં બોટીંગ દ્વારા સાતપુડા તથા વિધ્યાંચળ પર્વતમાળાની હરિયાળીનો આનંદ
કેવડિયા: ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલની 145મી જન્મ જયંતીના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા ખાતે આવી પહોંચ્યા હતા. તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંકલિત વિકાસ માટેના 17 પ્રોજેક્ટનું લોકાર્પણ અને નવા પ્રોજેકટનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટના કારણે કેવડીયા વિસ્તાર વિશ્વ સ્તરના એક પ્રવાસ કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા કોલોનીમાં બનેલા હેલીપેડ ખાતે આવી પહોંચ્યા હતા. તેઓ સાથે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને રાજ્યપાલ દેવવ્રત પણ હતા. તેઓનો કાફલો હેલીપેડથી સીધો એકતા મોલ ગયો હતો. ત્યારબાદ મોલની બાજુમાં આવેલા ચિલ્ડ્રન પાર્કમાં ગયા હતા.
એકતા મોલની વિશેષતાઓ
પ્રવાસીઓ કેવડિયાની મુલાકાત દરમિયાન ખરીદીનો વિશિષ્ટ પ્રકારનો અનુભવ લઈ શકે તે માટે બે માળ અને 35,000 ચો.ફુટમાં પથરાયેલા વિશાળ એકતા મોલ બાંધવામાં આવેલ છે. જેમાં દેશના જુદા-જુદા રાજયોમાંથી 20 જેટલા પરંપરાગત હેન્ડલુમ અને હેન્ડીક્રાફટ એમ્પોરીયા છે. એકતા મોલમાં જુદા જુદા રાજ્યોની વખણાતી ચીજવસ્તુઓ એક જ જગ્યાએથી ખરીદીને પ્રવાસીઓ આનંદ માણે છે. જેમાં ગરવી ગુર્જરી, પુરબશ્રી, કૈરાલી, મુર્ગનૈની, પુમ્પુહર, ગંગોત્રી, કાવેરી, ખાદી ઈન્ડિયા, કાશ્મીર અને CCI એમ્પોરિયમ આવેલા છે.