- કરજણ તાલુકાનો ઉરદ ગામ કોરોના મુક્ત
- ગામવાસીઓની સંતર્કતાની કારણે ગામમાં એક પણ કોરોના કેસ નહીં
- ગામમાં 75 ટકા રસીકરણ પૂર્ણ
કરજણ: સમગ્ર ગુજરાત વૈશ્વિક કોરોના મહામારી સામે લડી રહ્યું છે અને એમાં ગ્રામીણ જનશક્તિનો પ્રશસ્ય સહયોગ સાંપડી રહ્યો છે. રાજ્યમાં એક એવું ગામ કે જ્યાં કોરનાની બીજી ઘાતક લહેરમાં આ ગામમાં છેલ્લા એક માસમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. ગ્રામજનોની સતર્કતાને પરિણામે આ શક્ય બન્યું છે . ગ્રામજનોએ કોરોના ગાઈડ લાઈનનું સંપૂર્ણ પાલન કર્યું છે.જેને પરિણામે કોરોના વાઇરસ ગામમા પ્રવેશી નથી શક્યો.
ગામવાસી કરી રહ્યા છે દરક નિયમોનું પાલન
કરજણ તાલુકાના માત્ર 1073 ની જનસંખ્યા ધરાવતું ઉરદ ગામ આવેલું છે, પ્રથમ દૃષ્ટિએ તો આ ગામની સ્વચ્છતા ઉડીને આંખે વળગે એવી છે. ગામના સતર્ક સરપંચ પ્રશાંતભાઈ પટેલ અને તેમની ટીમે કોરોનાની બીજી ખતરનાક લહેરમાંથી ગામને બચાવી મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાનને સાચા અર્થમાં આત્મસાત કર્યું છે. કોરોનાની બીજી લહેરમાં ગામડાઓ પણ સંક્રમણ વઘ્યું છે પરંતુ ઉરદ ગામ કેવી રીતે કોરોના સંક્રમણથી બાકાત રહ્યું તે અંગે સરપંચ પ્રશાંતભાઈ પટેલ કહે છે કે ગ્રામજનોની સતર્કતા અને સરકારના નિર્દેશોનું સખ્ત પાલન થવાથી ગામમાં કોરોનાનો પગપેસારો થયો નથી.ગ્રામજનો પણ ગામને કોરોનાથી મુક્ત રાખવા માસ્ક,સામાજિક દુરી, વારંવાર હાથ ધોવા જેવા નિયમોનું અસરકારક પાલન કરે છે.જેને કારણે કોરોનાની બીજી લહેરમાં અમારા ગામ કોરોના મુક્ત રહ્યું છે.તેમણે જણાવ્યું કે સમગ્ર ગામને સાત વાર સેનેટાઇઝ કરવા સાથે પીવાના પાણીની ટાંકીની સફાઈ વારંવાર કરવામાં આવે છે લોકો કોઈ બીમારીનો ભોગ ન બને.
આ પણ વાંચો :દાહોદ તાલુકાના નગરાળા ગામે કોરોના સામે ચાલી રહી છે વ્યાપક જનજાગૃતિ ઝુંબેશ
ગામના તમામ લોકોનો મહત્વનો ફાળો
કરજણ તાલુકાના ઉરદ ગામને કોરોના મુક્ત રાખવામાં શિક્ષકો,આશા વર્કર, આંગણવાડી કાર્યકરનો મહત્વનો ફાળો રહ્યો છે.ગામમાં પ્રાથમિક શાળામાં સામુહિક કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે પણ ત્યાં હાલમાં કોઇ દર્દી નથી.કરજણ તાલુકાના ઇન્ચાર્જ તાલુકા આરોગ્ય અમલદાર ડો.પ્રશાંતસિંહે જણાવ્યું કે ઉરદ ગામમાં કોરોનાની ઘાતક બીજી લહેરમાં છેલ્લા એક માસ દરમ્યાન એક પણ કેસ નોંધાયો નથી.પ્રથમ લહેરમાં ગામમાં બે કેસ નોંધાયા હતા જેઓ હાલમાં સંપૂર્ણ રીતે સ્વસ્થ છે.