વડોદરા:વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આજવા રોડ ઉપર આવેલી રાજ્ય લક્ષ્મી સોસાયટીમાં રહેતા શાંતિલાલ સોલંકી અને તેમની પત્ની જશીબેન સાથે રહે છે. આ પરિવારના મોભી શાંતિલાલ વડોદરા મહાનગરપાલિકાની વોર્ડ નંબર 12 માં સફાઈ કામદાર તરીકે તેઓ ફરજ બજાવે છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. શાંતિલાલ સોલંકીને પંજાબ નેશનલ બેંક તરફથી ચાર માર્ચ 2023ના રોજ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કચેરી વડોદરા શહેર પૂર્વ દ્વારા બાકી નીકળતી નાણાની રકમ રૂપિયા 16.50 કરોડ રૂપિયાની રકમ ભરપાઈ કરવાની નોટિસ આપવામાં આવી છે. જેથી પરિવારની ઉંઘ હરામ થઈ ગઈ છે.
ધારાશાસ્ત્રીની લીધી મદદ:સામાન્ય પરિવારના અને સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા શાંતિલાલ સોલંકીને પોતાના દસ લાખના મકાન સામે 16 કરોડથી વધુ રૂપિયાની નોટિસ આવતા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પોતાને મળેલી આ નોટિસ જોઈને આ પરિવાર ખૂબ જ ચિંતાતુર બન્યો હતો અને નોટિસમાં આગામી 4 મે 23 સુધીમાં તમામ રકમની ભરપાઈ કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી. જો તે રકમ નહીં ભરાય તો મિલકત જપ્ત કરવાની પણ સૂચનાઓ આપવામાં આવી હતી. આ પરિવારે નોટિસને લઈ હિતેચ્છુ અને સંબંધીઓ આ સંદર્ભે ઓફિસમાં જઈને વાત કરી હતી. પરંતુ તેઓને સંતોષકારક જવાબ ન મળતા આખરે ધારાશાસ્ત્રીની મદદ લીધી હતી.
'શાંતિલાલ સોલંકીને રૂપિયા 16.50 કરોડ રૂપિયાના લેણાની રકમ ભરપાઈ નહીં કરે તો મકાન સીલ મારી દેવાની નોટિસ આપવામાં આવી છે. તેઓની રજૂઆત સાંભળતા જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે. શાંતિલાલની મિલકતની કિંમત પણ રૂપિયા પાંચથી દસ લાખ જેટલી જ થાય છે ત્યારે તેમને નોટિસ કેવી રીતે આપવામાં આવી તે ગંભીર બાબત છે. 16 કરોડ રૂપિયા મીંડા કેટલા આવે તે પણ આ સામાન્ય માણસને ખબર નથી. આ બાબત સાંભળી પોતાની પત્ની અને બનેવીની તબિયત ખરાબ થતા હોસ્પિટલમાં લઈ જવાયા હતા. આ એક પ્રકારની બેંકના લોકો કે મામલતદાર દ્વારા બોગસ નોટિસ આપવામાં આવી છે. આ એક પ્રકારની મેન્ટલી એક્રોસિટી થઈ હોય તેવું લાગી રહ્યું છે. આ સફાઈ કામ કરતા શાંતિલાલને ન્યાય મળે તેવી મારી માંગણી છે આ અંગે વધુ તપાસ થવી જરૂરી છે.' -નીરજ જૈને, ધારાશાસ્ત્રી