વડોદરાઃ જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન યોજના અંતર્ગત લાભર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડ આપવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે સોમવારે જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે બેંકર્સ તથા તમામ ખાતાના અધિકારીઓ સાથે તાકીદની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં પ્રધાનમંત્રી કિસાન યોજનાના વડોદરા જિલ્લાના ખેડૂત લાભર્થીઓને સત્વરે કિસાન ક્રેડિટ કાર્ડ આપવા માટેની ઝુંબેશમાં સહયોગ આપવા સૂચના આપવામાં આવી હતી. આ યોજના હેઠળ જિલ્લાના 1,59,086 ખેડૂત ખાતેદારોને KCC(કિસાન ક્રેડિટ કાર્ડ) તેમજ પશુપાલકો અને માછીમારોને પણ આ ઝુંબેશ હેઠળ નવા નિર્દેશો પ્રમાણે કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે.
જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, ભારત સરકારની સૂચના પ્રમાણે પ્રધાનમંત્રી કિસાન યોજનાના લાભાર્થીના એક ખાતા હેઠળ પરિવારના એકથી વધુ લોકો હશે, તો એ તમામ ખાતેદાર અલાયદા કિસાન ક્રેડિટ કાર્ડ મળવા પાત્ર છે. હાલના ખાતેદારો ખેતી સાથે પશુપાલન અથવા માછીમારી કરતા હશે, તો આ ઉત્પાદકીય પ્રવૃત્તિઓ ઉમેરીને એમના કાર્ડની ધિરાણ મર્યાદા નવેસરથી નિર્ધારિત કરવામાં આવશે.