વડોદરા : ઉત્તરાયણના તહેવાર પર અકસ્માતના બનાવોમાં તુરંત સારવાર આપવા માટે શહેર અને જિલ્લામાં કાર્યરત 108 એમ્બ્યુલન્સ સેવા માટે તૈયાર કરવામાં આવ્યા છે. ઉત્તરાયણના પર્વે સામાન્ય દિવસોની સાપેક્ષે 108ના ઇમર્જન્સી કોલમાં 32 ટકાનો વધારો થાય છે અને વાસી ઉત્તરાયણના દિવસે 24 ટકાનો વધારો થાય છે. તે બાબતને ધ્યાને રાખીને 108ના 218 જેટલા સ્ટાફને અકસ્માતના બનાવોમાં તુરંત સારવાર આપવાની સાથે સમયસર દવાખાને પહોંચાડવા માટે તૈયાર રાખવામાં આવ્યા છે.
ગુજરાતમાં પ્રતિદિન સરેરાશ કોલ GVK-EMRIના તારણો એવું સૂચવે છે કે, ગુજરાતમાં પ્રતિદિન સરેરાશ 3350 કોલ આવે છે. તેની સામે તારીખ 14મી ના રોજ ઉત્તરાયણ અને તારીખ 15મી ના રોજ વાસી ઉત્તરાયણમાં 32 ટકા જેટલો વધારો થાય છે. એટલે કે તારીખ 14મી ના દિવસે 32 ટકા અને તારીખ 15ના રોજ 24 ટકા વધુ ફોન આવે છે. વડોદરાની વાત કરીએ તો વડોદરામાં પ્રતિદિન 181 જેટલા ઈમરજન્સી કોલ આવે છે. હવે ઉત્તરાયણના દિવસે આ ઇમર્જન્સી 274 સુધી પહોંચી જવાની સંભાવના છે. હાલમાં શહેરમાં 108ની એમ્બ્યુલન્સનો રિસ્પોન્ડ ટાઇમ 11 મિનિટ અને ગ્રામ્ય વિસ્તારમાં રિસ્પોન્ડ ટાઇમ 16 મિનિટ અને 32 સેકન્ડનો છે. આ પર્વમાં મહત્તમ કોલ સવારના 12 વાગ્યાથી સાંજના 9 વાગ્યા દરમિયાન મળે છે.