ગુજરાત

gujarat

ETV Bharat / state

Mahi Beej 2023 : ગોપાલક સમાજે મહી નદીમાં કર્યો દૂધનો અભિષેક, જાળવી વર્ષો જૂની અનોખી પરંપરા - mahi beej 2023

વડોદરામાં વાસદ, વહેરાખાડી, ફાજલપુર ખાતે મનાવાતા મહી બીજ ઉત્સવમાં (mahi beej 2023) જનઆસ્થા અને કુદરતી સંપદાના સંરક્ષણના સંકલ્પનો સુભગ સમન્વય થાય છે. ત્યારે ગોપાલક સમાજે મહી નદીમાં દૂધનો અભિષેક કરી વર્ષો જૂની પરંપરાને (worship of mahi river at fajalpur vadodara) જાળવી રાખી હતી.

Mahi Beej 2023 ગોપાલક સમાજે મહી નદીમાં કર્યો દૂધનો અભિષેક, જાળવી વર્ષો જૂની અનોખી પરંપરા
Mahi Beej 2023 ગોપાલક સમાજે મહી નદીમાં કર્યો દૂધનો અભિષેક, જાળવી વર્ષો જૂની અનોખી પરંપરા

By

Published : Jan 23, 2023, 7:11 PM IST

વડોદરાઃભારતીય સંસ્કૃતિ કુદરતી સંસાધનોનું સંરક્ષણ કરવા માટે પ્રેરે છે. આવી સંપદાને દેવતુલ્ય માને છે. એથી જ દેશની વિવિધ નદીઓને લોકમાતા ગણીને તેમનું પૂજન કરવામાં આવે છે. ગુજરાતમાં પણ આવી અનેક લોકમાતાઓ છે, જેમની સાથે જનઆસ્થા જોડાયેલી છે. એ પૈકીની એક મહી નદી. મહી નદી પ્રત્યે ઋણ સ્વીકારવાનો ઉત્સવ એટલે મહી બીજ ઉત્સવ. ખાસ કરીને ગોપાલક સમાજ મહા સુદ બીજના પવિત્ર દિવસે મહી નદીમાં સ્નાન કરી, પૂજન કરે છે. આ પરંપરા પાછળ આસ્થા સાથે નદીના સંરક્ષણનો ભાવ પણ રહેલો છે.

આ પણ વાંચોછોટાઉદેપુર જિલ્લાનાં દેવલીયા ગામ 100 વર્ષ બાદ અનોખી પરંપરા સાથે દેવોની જાતર બદલવાનો ઉત્સવ પૂર્ણ થયો

આસ્થા કથા વણાયેલી છેઃ રબારી સહિતના ગોપાલક સમાજ દ્વારા મહી બીજની ઉજવણી પાછળ પણ એક રોચક આસ્‍થા કથા વણાયેલી છે. આ પરંપરા ઘણા જૂના સમયથી ચાલતી આવતી હશે તેમ મનાય છે. આ કથા પ્રમાણે લોકમાતા મહી જ્‍યારે સાગર સાથે લગ્ન યોજાયાં ત્‍યારે ગોપાલક સમાજના વ્‍યક્‍તિએ ચોથા મંગળફેરાએ તેમનું સવા રૂપિયો અર્પણ કરીને કન્‍યાદાન કર્યું હતું. આણંદ જિલ્લાના મહી અને સાગરના સંગમબિંદુ જેવા વહેરા ખાડી ગામે આ લગ્ન યોજાયા હતા તેવી પ્રખર લોકશ્રદ્ધા પ્રવર્તમાન છે.

રબારી સમુદાયનો કુદરત સાથે નીકટનો સંબંધઃગ્‍વાલબાલાએ વૃંદાવનમાં ભગવાન શ્રીકૃષ્‍ણના બાલ્‍યકાળમાં સખાની ભૂમિકા અદા કરી હતી. આજનો ગોપાલક સમાજ પણ કદાચ તેમની જ પરિપાટી જાળવી રહ્યો છે. પશુપાલનના વ્‍યવસાયને લીધે કુદરત સાથે નીકટનો સંબંધ ધરાવતો વિશાળ રબારી સમુદાય પણ ગોપાલક સમાજનો જ એક અભિન્‍ન હિસ્‍સો છે અને તેમની જીવનશૈલી તેમજ રીતરિવાજોમાં કૃતિભક્તિના પૂજનની પરંપરા હજુ પણ જીવંત છે.

આ પણ વાંચોReligious Tradition of Uttarayan in Gujarat : મકરસંક્રાંતિના દિવસે ગાયને ખીચડો ખવડાવવાનું મહત્વ

ગોપાલક સમાજ ઉમટી પડ્યો આ પરંપરાના પાલનરૂપે મહાસુદ બીજને રબારીઓ તેમ જ ગોપાલકો મહી બીજ તરીકે ઉજવે છે. તેના અવસરે આજે (સોમવારે) વાસદ મહીસાગર માતાજીના મંદિર, મહીસાગર સંગમ તીર્થ (વહેરાખાડી) તેમ જ વડોદરા જિલ્લાના ફાજલપુર ખાતે મહીસાગર માતાજીના મંદિરે રબારીઓ સહિત ગોપાલક જાતિઓના લોકોએ ઘણી મોટી સંખ્‍યામાં, પરંપરાગત વેશભૂષા, આભૂષણોમાં અને નવા જમાનાની યુવા પેઢીએ આધુનિક પરિવેશમાં લોકમાતા મહીસાગરનો ભક્‍તિભાવપૂર્વક ખોળો ખૂંદ્યો હતો. મહીસાગર માતાના દૂગ્‍ધાભિષેક, પવિત્ર સ્‍નાન અને દર્શન માટે ઉત્તર ગુજરાતથી લઈને ચરોતર અને દક્ષિણ ગુજરાતમાંથી રબારી બંધુઓ સપરિવાર મહીના કાંઠે ઉમટી પડ્યા હતા.

જળનો અભિષેક કરાય છેઃઆમ, રબારી સહિત ગોપાલક સમાજનો વિશાળ વર્ગ લોકમાતા મહીને કુળવર્ધીની માતા તરીકે પૂજે છે. ગોપાલક દ્વારા લોકમાતાના કન્‍યાદાનને યાદ કરીને મહી બીજના દિવસે ગામે ગામથી રબારી સમાજ કુટુંબ કબીલા સાથે મહીસાગર માતાના ખોળે ઉમટી પડે છે. ઘરની ગાયનું દૂધ કેનમાં ભરીને લાવે છે. તેના દ્વારા મહીસાગરના જળનો અભિષેક કરે છે. પવિત્ર સ્‍નાન કરે છે. પ્રસાદરૂપે ખાલી કેનમાં મહીમાતાનું પાવન જળ ભરે છે. વાસદના નદી કાંઠે આવેલા મહીસાગર માતાના મંદિરે પણ દર્શન-પૂજન કરે છે. યજ્ઞ પણ યોજાય છે અને મંદિરે ઉપવાસીઓને ફળાહાર પણ કરાવવામાં આવે છે. કૃતિની ભક્‍તિનું અપૂર્વ શ્રદ્ધાભર્યું વાતાવરણ જોવા મળે છે.

પશુધન પર કરાય છે મહીજળનો છંટકાવઃઘરે જઈને પ્રસાદરૂપે સાથે લાવવામાં આવેલા મહીજળનો પશુધન અને ઘરસંપદા પર છંટકાવ કરવામાં આવે છે. મહીસાગર માતા સૌનું કલ્‍યાણ અને રક્ષણ કરે તેવી ભાવના તેની પાછળ કામ કરે છે. રબારી સમાજના લોકો બહુધા મહી બીજના દિવસે ઘરની ગાયના દૂધનું વેચાણ કરતાં નથી. સાંજના ઘરના દૂધની ખીર અને સુખડી બનાવે છે. સૌ ભક્‍તિભાવપૂર્વક સંધ્‍યાકાળે બીજના ચંદ્રમાના દર્શન કરે છે. તે પછી મહીસાગર માતાને ખીર અને સુખડીનો નૈવેધ ધરાવીને મહાપ્રસાદ ગ્રહણ કરે છે. આમ, કૃતિભક્તિ અને લોકમાતાના ગૌરવનો આ ઉત્‍સવ તેમના ભાતીગળ જીવન સાથે વણાઇ ગયો છે.

રબારી લોકો શક્‍તિના ઉપાસક છેઃતેઓ ભગવાન શિવને પરમ પિતા અને મા શક્‍તિને માતા માને છે. જૂના જમાનામાં રાજવીઓ ખાનગી સંદેશાઓ પહોંચાડવાનું કામ વિશ્વાસ રાખીને તેમને સોંપતા. બહેન દિકરીઓના વળાવિયા તરીકે પણ તેમની સેવા લેવાતી, જેમનું અસલ વતન એશિયા માઇનોર હોવાનું મનાય છે. આધુનિક પ્રવાહોની અસર છતાં હજી આ સમાજની રહેણીકરણી તેમ જ સમાજ જીવન પર પરંપરાનો ભાવ સચવાયો છે, જેની પ્રતીતિ મહી બીજની શ્રદ્ધાસભર ઉજવણીથી થાય છે. મહીસાગર કાંઠે મહા બીજનો આ પાવન અવસર અસંખ્‍ય શ્રદ્ધાળુઓ માટે આસ્‍થાનું કેન્‍દ્રબિન્‍દુ બની રહ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details