- નવો કાયદો લાગુ કરાયા બાદ છેલ્લા 15 દિવસમાં સમગ્ર રાજ્યમાં 3 કેસમાંથી 2 કેસ વડોદરામાં નોંધાયા છે
- વિધર્મી યુવકે વિશ્વાસ કેળવવા માટે યુવતીને જણાવ્યું હતું કે, લગ્ન બાદ તું તારી મરજીથી તારો ધર્મ પાળી શકે છે
- એકલતામાં જેઠ યુવતીનો હાથ પકડીને છેડતી કરતો હતો
- આખરે યુવતીના પતિ, સસરા અને જેઠ સામે ફતેગંજ પોલીસ સ્ટેશમાં ગુનો નોંધાયો
વડોદરા : લવ જેહાદના કેસ રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ 2021 ( love jehad act ) લાગુ કરવામાં આવ્યો છે. નવો કાયદો લાગુ કરવામાં આવ્યા બાદ છેલ્લા 15 દિવસમાં સમગ્ર રાજ્યમાં બે કેસ વડોદરામાં નોંધાયા છે. વડોદરામાં છાણી વિસ્તારમાં રહેતા વિધર્મી યુવકે યુવતી સાથે રજિસ્ટર્ડ લગ્ન કર્યા બાદ તેની પર ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું. વિધર્મી યુવકે લગ્ન બાદ પોતાની સાથે લાવેલા ધાર્મિક દેવી – દેવતાઓના ફોટો અને મૂર્તિ ફેંકી દીધી હતી અને યુવતી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરીને તેનો વીડિયો પણ બનાવ્યો હતો.
પરિચય બાદ મોહિબ યુવતી સાથે લગ્ન કરવા માટે અવારનવાર દબાણ કરતો
ફતેગંજ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર વર્ષ 2018માં છાણીના સંતોકનગર સોસાયટીમાં રહેતા મોહિબ ઇમ્તીયાજખાન પઠાણના સંપર્કમાં યુવતી આવી હતી. પરિચય બાદ મોહિબ યુવતીને તેની સાથે લગ્ન કરવા માટે અવારનવાર દબાણ કરતો હતો. એટલું જ નહીં તેનો વિશ્વાસ કેળવવા માટે તારી મરજીથી તારો ધર્મ પાળી શકીશ, તેમ પણ જણાવતો હતો. મોહિબની વાતોમાં આવીને યુવતીએ 20 ઓગષ્ટ, 2020ના રોજ કુબેરભવન ખાતે સબ રજિસ્ટ્રાર્ડની કચેરીમાં જઇને લગ્ન કર્યા હતા.
કાઝીને પોતાના ઘરે બોલાવીને યુવતીની મરજી વિરૂદ્ધ અન્ય ધર્મ પ્રમાણે નિકાહ પઢાવ્યા
લગ્ન બાદ યુવતી મોહિબના છાણી ખાતે આવેલા ઘરે રહેવા ગઇ હતી. જે બાદ મોબિહે 11 સપ્ટેમ્બરના રોજ કાઝીને પોતાના ઘરે બોલાવીને યુવતીની મરજી વિરૂદ્ધ અન્ય ધર્મ પ્રમાણે નિકાહ પઢાવ્યા હતા. યુવતીનું મુળ નામ બદલીના અન્ય ધર્મ મુજબ નામ રાખી દીધું હતું. જે બાદ મોહિબે યુવતીને તેનો ધર્મ અંગીકાર કરવા માટે દબાણ કર્યું હતું, એટલું જ નહીં તેણે યુવતી લગ્ન બાદ તેની સાથે લાવેલા ધાર્મિક દેવી – દેવતાઓની મૂર્તિ અને ફોટા ફેંકી દીધા હતા. આ યુવતી સાથે બિભત્સ વીડિયો બતાવીને મોહિબે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય પણ કર્યું હતું. જેને રોકવા જતા તે પીડિત યુવતી સાથે હિંસા પર ઉતરી આવતો હતો.
યુવતીનો જેઠ હાથ પકડીને તેની છેડતી કરતો
મોહિબનો ભાઇ મોહસીન પીડિત યુવતી જ્યારે ઘરમાં એકલી હોય, ત્યારે તેની પર નજર બગાડતો હતો અને એકલતાનો લાભ લઇને તેનો હાથ પણ પકડી લેતો હતો. યુવતી જ્યારે સગર્ભા હતી, ત્યારે ડિલિવરી બાબતે સસરા જોડે ડિલિવરીના ખર્ચ બાબતે માથાકૂટ થઇ હતી. ત્યારે સસરા ઇમ્તિયાજખાને તેને અપશબ્દો કહ્યા હતા. આ સાથે પિતા પુત્રએ ભેગા મળીને પીડિત યુવતીને માર પણ માર્યો હતો.