વડોદરામાં પુષ્પા સ્ટાઈલથી દારૂની હેરફેર વડોદરા :કરજણ નજીક ભરથાણા ટોલનાકા પર પોલીસ તપાસ દરમિયાન ત્યાંથી પસાર થતો ટેમ્પો શંકાસ્પદ જણાયો હતો. ટેમ્પાની તલાસી લેતા જિલ્લા પોલીસને ટેમ્પોમાં ચોરખાનું મળી આવ્યું હતું. જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે અંદાજિત કિંમત રૂપિયા 11.44 લાખનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માહિતી અનુસાર આ જથ્થો રાજસ્થાનથી ભરી વડોદરા તરફ લઈ જવાતો હતો.
શંકાસ્પદ ટેમ્પોમાં ચોરખાનું : વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના PI કૃણાવ પટેલને ચોક્કસ બાતમી મળી હતી કે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલો એક ટેમ્પો સુરત, ભરૂચ થઈને વડોદરા તરફ આવી રહ્યો છે. જે બાતમીના આધારે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને ભરથાણા ટોલનાકા પાસે વોચ ગોઠવી દીધી હતી. ચોક્કસ બાતમી વાળો ટેમ્પો આવી પહોંચતા તેને કોર્ડન કરી ટેમ્પોચાલકની પૂછપરછ શરૂ કરી હતી. પરંતુ ટેમ્પોચાલકે સંતોષ કારક જવાબ આપ્યો ન હતો. આથી પોલીસે ટેમ્પો કબજે કરી કરજણ પોલીસ મથકે લઈ જઈ વઘુ તપાસ હાથ ધરી હતી.
પુષ્પા સ્ટાઈલથી દારૂની હેરફેર : વડોદરા જિલ્લાના કરજણ નજીક ભરથાણા ટોલનાકા પાસેથી શંકાસ્પદ ટેમ્પોને કરજણ પોલીસ સ્ટેશનને લઈ જવામાં આવ્યો હતો. ટેમ્પામાં વધુ તપાસ કરતા કેબિનના પાછળના ભાગમાં એક ચોરખાનું મળી આવ્યું હતું. પોલીસે આ ચોરખાનું ખોલી તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની 262 પેટીઓ મળી આવી હતી. જેની કિંમત રૂપિયા 11,44,800 તેમજ ટેમ્પો, મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 21 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
ક્યાંથી આવ્યો દારુ ? પોલીસ દ્વારા રાજસ્થાનના રહેવાસી ટેમ્પોચાલક 82 વર્ષીય સુરેશકુમાર તેજારામ બિશ્નોઇની ધરપકડ કરવામાં આવી હતી. ઉપરાંત આ જથ્થો કોને ભરી આપ્યો હતો અને તે કોને આપવાનો હતો, તે અંગેની તપાસ શરૂ કરી હતી. પોલીસે ટેમ્પોચાલક સુરેશકુમાર બિશ્નોઇની વધુ પૂછતાછ કરતા તેણે જણાવ્યું હતું કે, આ દારૂનો જથ્થો રાજસ્થાનના ભવરલાલ બિશ્નોઈએ ભરી આપ્યો હતો. તેમજ આ ટેમ્પાનો માલિક રાજસ્થાનનો ટીકારામ જાટ છે. આ દારુનો જથ્થો ક્યાં પહોંચાડવાનો છે તે અંગે તેણે જણાવ્યું કે, વડોદરા પહોંચ્યા બાદ ફોન કરવાનો હતો. પછી મને લોકેશન આપશે.
નવા વર્ષની પાર્ટીનો ક્રેઝ : દિવસેને દિવસે યુવા વર્ગ ગેરરીતિ અને પ્રવૃત્તિઓ તરફ વળી રહ્યો છે. તેમજ 31 ફર્સ્ટ અને શિયાળાની ઋતુ શરૂ થતા યુવા વર્ગમાં પાર્ટી કરવાનો થનગનાટ જોવા મળી રહ્યો છે. એક તરફ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ સૌથી વધુ દારૂ પણ ગાંધીના ગુજરાતમાં જ વેચાય છે. ઠેરઠેર દારૂનું સેવન કરતાં લોકો પણ જોવા મળી રહ્યા છે.
પોલીસ કાર્યવાહી :સમગ્ર બનાવ અંગે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચના અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ હર્ષદકુમારે આરોપી સુરેશકુમાર બિશ્નોઇ, ભવરલાલ બિશ્નોઇ અને ટીકારામ જાટ સામે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. કરજણ પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ઘરી છે. જેથી સમગ્ર પંથકમાં ગેરરીતિ કરતા ઇસમોમાં ભારે ફફડાટ ફેલાયો છે.
- વાઘોડિયા તાલુકાના ભાનપુરા ગામે ભત્રીજાએ ફુઆની હત્યા કરી
- દંતેશ્વરમાં પત્ની પર થયેલ ગોળીબારની ઘટનામાં 'વળાંક', પતિ એ જ બેડરુમમાં કર્યુ હતું ફાયરિંગ