વડોદરા : શહેરને સ્માર્ટ સીટી બનાવવાની શાણી વાતો કરનારા સેવાસદન તંત્રના સત્તાધીશો અને સરકારી બાબુઓ એક વખત સોમા તળાવ બ્રિજની નીચે આવેલા ઘાઘરેટિયા વિસ્તારની મુલાકાત લે તો તેમનું માથું શરમથી ઝૂકી જાય તેવી આ વિસ્તારની પરિસ્થિતિ છે.
વડોદરાના આ વિસ્તારમાં કાદવ, કીચડ અને ખાડાઓનું સામ્રાજ્ય, સ્થાનિકોમાં રોષ
વડોદરા શહેરમાં આવેલા સોમા તળાવ બ્રિજ પાસેના ઘાઘરેટિયા વિસ્તાર પ્રત્યે તંત્રએ ઓરમાયું વર્તન સેવતા આ વિસ્તારના નાગરિકો નરક સમાન પરિસ્થિતિમાં જીવન વ્યતિત કરી રહ્યા છે.
આ વિસ્તારના રહીશો વર્ષોથી રોડથી વંચિત રહ્યા છે. જ્યાં માત્ર કાદવ, કીચડ અને ઊંડા ઊંડા ખાડાઓનું સામ્રાજ્ય છે. આ ઘાઘરેટિયા વિસ્તારમાં રોડની સુવિધા જ નહીં હોવાને કારણે મેડિકલ ઇમરજન્સી સમયે 108 એમ્બ્યુલન્સ પણ અંદર આવી શકતી નથી. પરિણામે નાગરિકોએ બીમાર દર્દીને ખાટલામાં નાખી રોડ સુધી લાવવાની ફરજ પડી રહી છે.
જ્યારે સ્થાનિકોનું કહેવું છે કે, ચૂંટણી સમયે મત લેવા આવતા રાજકીય પક્ષોના નેતાઓમાં સહેજ પણ નૈતિકતા બચી હોય તો આ વિસ્તારની મુલાકાત લઈ રાજકારણમાંથી નિવૃત્તિ જાહેર કરવી જોઈએ. આઝાદી મળ્યાના વર્ષો બાદ પણ આ વિસ્તારના નાગરિકોને આદિમાનવ જેવી પરિસ્થિતિમાં જીવવા મજબૂર કરનાર રાજકીય પક્ષોના નેતાઓ પર ધિક્કાર ઉભો થાય તેવી આ વિસ્તારની પરિસ્થિતિ છે. સેવાસદન તંત્રના સત્તાધીશો અને અધિકારીઓ આ વિસ્તાર પ્રત્યે ઓરમાયું વર્તન રાખતા હોય તે રીતે આ વિસ્તારની સમસ્યાઓ પ્રત્યે દુર્લક્ષ સેવાતા આ વિસ્તારના નાગરિકોમાં ભારોભાર રોષ પ્રવર્તી રહ્યો છે.