વડોદરા : મહાનગરપાલિકાની કચેરી બહાર પોસ્ટર સાથે દરજીપુરા ગામના લોકોએ વિરોધ પ્રદર્શન કરીને રસ્તા અને પાણીની સમસ્યા દૂર કરવા માટે તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. તે સાથે જ સત્તાધીશોને એકવાર ગામની મુલાકાત લઇ સમસ્યા જોઈને તેનું નિરાકરણ કરવાની માંગ કરી હતી.
વડોદરા દરજીપુરા ગામમાં પ્રાથમિક સુવિધાના અભાવે AAP પાર્ટીનો પ્લેકાર્ડ અને બેનર સાથે વિરોધ - વડોદરા દરજીપુરા
વડોદરા દરજીપુરા ગામમાં પાણી અને રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓથી વંચિત સ્થાનિક લોકોએ આમ આદમી પાર્ટીના આગેવાનો સાથે મળીને પાલિકાની વડી કચેરી ખાતે પ્લેકાર્ડ અને બેનર સાથે વિરોધ કર્યો હતો. તેમજ મ્યુનિસિપલ કમિશનર અને મેયરને દરજીપુરાની મુલાકાત લેવા માટે આમંત્રણ આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, દરજીપુરા ગામને વડોદરામાં સમાવેશ બાદ 5 વર્ષનો સમય વીતી ગયો છે. તેમ છતાં પણ પ્રાથમિક સુવિધાના અભાવે સ્થાનિક રહીશોમાં પાલિકા વિરૂદ્ધ આક્રોશ જોવા મળી રહ્યો છે.
આ અંગે આમ આદમી પાર્ટીના વોર્ડ નં -4 ના પ્રમુખ યોગેન્દ્ર પરમારે જણાવ્યું હતું કે, દરજીપુરા ગામનો 2015 માં પાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ હજી સુધી ગામમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. જ્યારે હવે નવા 7 ગામને પાલિકામાં સમાવેશ કરવામાં આવ્યા છે. તેમને પણ પાલિકા સુવિધાઓ આપી શકવાની નથી અને તેમને પણ અન્યાય થશે.