કોર્ટે આરોપીઓના 10 ફેબ્રુઆરી સુધી એટલે કે 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા વડોદરાઃરાજ્યભરમાં રવિવારે જૂનિયર ક્લર્કની પરીક્ષા યોજાવાની હતી. આ માટે 9.53 લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જોકે, પરીક્ષા લેતા પહેલા જ પેપર લીક થઈ જતાં લાખો ઉમેદવારોએ રોવાનો વારો આવ્યો હતો. આ સાથે જ સમગ્ર રાજ્યમાં સરકાર સામે લોકોમાં રોષ પણ જોવા મળ્યો હતો. ત્યારે હવે આ પેપર લીક કૌભાંડ મામલે 15 આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ગુજરાત ATSએ આરોપીઓને વડોદરાની જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કર્યા હતા. ત્યારે કોર્ટે આરોપીઓના 10 ફેબ્રુઆરી સુધી એટલે કે 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
15 આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા કોર્ટે 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા: મામલે સરકારી વકીલ અનિલ દેસાઇએ જણાવ્યું કે, 15 આરોપીઓને આજે જ્યુડીશીયલ મેજીસ્ટ્રેસ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. તપાસ અધિકારીઓએ આરોપીઓના 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટે 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
આરોપીઓની પુછપરછ કરી વધુ તપાસ હાથ ધરાશે રિમાન્ડ દરમિયાન થશે પુછપરછ:પરીક્ષા આપનાર ઉમેદવારો પણ આ જ પેપર આપવાના હતા. આ પેપર હૈદરાબાદની એક પ્રિન્ટીંગ પ્રેસમાં છપાવવામાં માટે આપ્યું હતું. ત્યાંથી આરોપીએ લીક કર્યું છે. મુખ્ય આરોપી પ્રદિક નાયકે આ પેપર ત્યાંથી મેળવ્યું અને ત્યાર બાદ એક પછી એક એક આરોપીને 7 થી 11 લાખ રૂપિયા લઇ વેચાણ કરવાનું હતું. ગુજરાત એટીએસ દ્વારા આખા ષડયંત્રનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ષડયંત્રમાં કોણ સામેલ છે, કોણ આમાં સંડોવાયેલા છે. તે તમામ પ્રકારની માહિતીઓની રિમાન્ડ દરમિયાન પુછપરછ કરવામાં આવશે. બધાયને અલગ અલગ જગ્યાએથી પકડાયા છે. વડોદરામાંથી જે આરોપીઓ પકડાયા છે. તેનાથી કુલ 15 જેટલા આરોપીઓની લિંક મળી છે. તે તમામને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. જેમ માહિતી મળશે તેમ તપાસ આગળ વધશે
આ પણ વાંચો:Junior Clerk Paper Leak : પેપર કાંડ મામલે AAP અને NSUIએ સાથે મળી કર્યો ઉગ્ર વિરોધ
ATSએ આરોપીઓની કરી ધરપકડઃ ATS દ્વારા અગાઉ CBI દ્વારા કરવામાં આવેલી પરીક્ષાના પેપર લીક કેસમાં સંડોવાયેલા ભાસ્કર ચૌધરી તથા કેતન બારોટ સહિત અગાઉ પેપર લીક કેસમાં સંડોવાયેલા અન્ય ઇસમો ઉપર વિશેષ વોચ રાખી હ્યુમન તથા ટેક્નિકલ સર્વેલન્સ ગોઠવવામાં આવ્યા હતા. તે અંતર્ગત ગુજરાત ATSના અધિકારી અને કર્મચારીઓની અલગ-અલગ ટીમો બનાવી રાજ્યના અલગ અલગ જિલ્લાઓ જેમ કે, વડોદરા, સુરત, મહેસાણા, રાજકોટ, ભાવનગર, સાબરકાંઠા વિગેરે જીલ્લાઓ કે જ્યાં અગાઉ આવા ગુનાઓ બન્યા હોય ત્યાં તકેદારીના ભાગરૂપે રવાના કરવામાં આવ્યા હતા
અમદાવાદમાં ટીમ સ્ટેન્ડ ટૂ હતીઃ ઉપરાંત 2 ટીમો અમદાવાદ ખાતે સ્ટેન્ડ ટૂ રાખવામાં આવી હતી. તે દરમ્યાન ગઈકાલે (રવિવારે) ગુજરાત ATSને બાતમી મળી હતી કે, 'ઓડીશા રાજ્યનો એક શખ્સ પ્રદીપ નાયક, અગાઉ સીબીઆઇ દ્વારા કરવામાં આવેલા પેપર લીક કેસમાં સંડોવાયેલ ભાસ્કર ચૌધરી અને કેતન બારોટ સાથે મળી 29 જાન્યુઆરી 2023ના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનારી જૂનિયર કલર્ક વર્ગ 3ની પરિક્ષાનું પેપર વડોદરા ખાતે છાત્રોને વેચવાના પ્રયાસો કરશે.
ATSએ ક્રાઈમબ્રાન્ચની લીધી મદદઃ આ અંગે ગુજરાત ATSની ટીમે સુરત ક્રાઇમ બ્રાન્ચની વિશેષ મદદ લઈ વડોદરામાં SOGની ટીમને સાથે રાખી મુખ્ય આરોપી પ્રદીપકુમાર બિજયા નાયક, (રહે. ગંજમ, ઓડીશા) કેતન બળદેવભાઇ બારોટ (રહે. નાના ચિલોડા, અમદાવાદ) તથા ભાસ્કર ગુલબાચંદ ચૌધરી, (રહે. છાણી, વડોદરા, મુળ વતન બિહાર) સહિત અન્ય આરોપીઓની 29 જાન્યુઆરી 2023ની રાત્રે દોઢ વાગે છાત્રોને પેપર વેંચણી કરતા પહેલા પકડી પડ્યા હતા. આરોપીઓ પાસેથી તપાસ કરતા મળી આવેલા પેપરના પ્રશ્નો બાબતે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ મારફતે ખાતરી કરતા પેપર 29 જાન્યુઆરીના રોજ યોજાનારી પરીક્ષાના પેપરના પ્રશ્નો સાથે મળતા આવ્યા હતા.
આરોપીઓએ ગોઠવી હતી ચેનલઃ મોરારી, કમલેશ, ફિરોઝ, સર્વેશ, મિન્ટુકુમાર, પ્રભાત તથા મુકેશકુમાર, દ્વારા ગુજરાતમાં વેચાણ કરવા સારૂની ચેનલ ગોઠવી આપી હતી. તે આધારે મિન્ટુકુમાર દ્વારા વડોદરા ખાતેની પાથવે એજ્યુકેશન સર્વિસના એમ.ડી તથા વડોદરા ખાતે સ્ટેકવાઇઝ ટેકનોલોજી નામની કોમ્પ્યુટર એગ્ઝામ સેન્ટર ચલાવતા મૂળ રહેવાસી બિહારના ભાસ્કર ગુલાબચંદ ચૌધરી (હાલ રહે. વડોદરા) તથા અમદાવાદ ખાતે દિશા એજ્યુકેશન ના એમ.ડી. કેતનભાઇ બળદેવભાઇ બારોટ (રહે. વડોદરા)નો સંપર્ક કર્યો હતો, જે અંગે ભાસ્કર તથા કેતન દ્વારા આ બાબતે તૈયારી દર્શાવતા ઉપરોક્ત તમામ આરોપીઓ ઓડીશા તથા બિહાર ખાતેથી વડોદરા આવવા રવાના થયા હતા. તથા મુળ ઓડીશા અને હાલ સુરતમાં રહેતા નરેશ મોહન્તીને પણ સાથે રાખ્યો હતો.
આરોપીઓએ એજન્ટોને બોલાવી લીધા હતાઃ તે દરમિયાન ભાસ્કર તથા કેતન દ્વારા તેઓના ગુજરાત ખાતેના અન્ય એજન્ટો નામે હાર્દિક શર્મા, પ્રણવ શર્મા, અનિકેત ભટ્ટ તથા રાજ બારોટ નાઓને પણ વડોદરા ખાતે બોલાવી લીધા હતા. તમામ આરોપીઓ વડોદરા ખાતેની ભાસ્કર ચૌધરીની સ્ટેકવાઇઝ ટેકનોલોજીની ઓફીસ ઉપર ભેગા થયા હતા જ્યાં ગુજરાત એ.ટી.એસ. દ્વારા સુરત ક્રાઇમ બ્રાંચ તથા વડોદરા એસ.ઓ.જી.ની ટીમોને સાથે રાખી કમ્પનીની ઓફીસ ઉપર રેઇડ કરી હતી. જેમાં તમામ આરોપીઓને લીક થયેલ પેપર સાથે પકડી પાડવામાં આવ્યાં હતા. જે અંગે ગુજરાત એ.ટી.એસ. ખાતે ઇ.પી.કો. કલમ 406, 409, 420તથા 120(બી) હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આ આંગે હૈદ્રાબાદ ખાતેથી જીત નાયક ઉર્ફે શ્રધાકર લુહા સ/ઓ સહદેવ લુહા મુળ (રહે. ઓડીશા)ને પકડી પાડવામાં આવ્યો છે.