અનાવરણ પૂર્વે જ સુવર્ણજડિત પ્રતિમાના દર્શન વડોદરાઃશહેરની મધ્યમાં આવેલા સૂરસાગર તળાવમાં સર્વેશ્વર મહાદેવની મોટી મૂર્તિ મુકવામાં આવી છે. જોકે, અત્યારે આ મૂર્તિને સુવર્ણજડિત કરવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. આ મૂર્તિનું શિવરાત્રિ પર અનાવરણ કરવાનું આયોજન છે. તેના કારણે અત્યારે આ મૂર્તિ પર સફેદ કપડું ઓઢાડી દેવામાં આવ્યું છે. જોકે, સુંસવાટા મારતા પવનના કારણે આજે મૂર્તિ પરનું સફેદ કાપડ ફાટી ગયું હતું અને અનેક શહેરીજનોએ સુવર્ણજડિત શિવજીના દર્શન કર્યા હતા. જો સૂંસવાટા મારતી હવા સાથ આપે તો સંપૂર્ણ કાપડ હટી શકે તેમ છે.
આ પણ વાંચોSparsh Mahotsav Ahmedabad : સ્પર્શ મહોત્સવમાં તૈયાર કરવામાં આવી ગિરનાર પર્વતની રેપ્લિકા
અનાવરણ પૂર્વ જ સુવર્ણજડિત પ્રતિમાના દર્શન:શહેરના મધ્યમાં આવેલું સૂરસાગર તળાવ પોતે એક અલગ ઈતિહાસ ધરાવે છે. થોડાક વર્ષો પહેલા શિવભક્ત ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા સૂરસાગરના મધ્યમાં બિરાજમાન સર્વેશ્વર મહાદેવની મૂર્તિને સુવર્ણજડિત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. તેમાં વિદેશી શિવભક્તોનો સાથ મળતા કામગીરીએ વેગ પકડ્યો હતો. તાજેતરમાં જ સર્વેશ્વર મહાદેવની મૂર્તિ સુવર્ણજડિત કરવાની કામગીરી પૂર્ણ થઈ હતી, પરંતુ આ મૂર્તિનું અનાવરણ શિવરાત્રીએ કરવાનું નક્કી કરવામાં આવ્યું હોવાના કારણે હાલ તેના પર સફેદ કાપડ ઓઢાડી દેવામાં આવ્યું છે, પરંતુ વાતાવરણને કંઈક અલગ જ મંજૂર છે. છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં સુસવાટા મારતા પવનનો અનુભવ થઇ રહ્યો છે.
કાપડનું આવરણ હટી ગયુંઃભારે પવનના સર્વેશ્વર મહાદેવની મૂર્તિ પર લગાડવામાં આવેલું કાપડનું આવરણ હટી ગયું છે. તેમ જ રાહદારીઓને આજે શિવજીના સુવર્ણજડિત મુખારવિંદના દર્શન થયા હતા. રાહદારીઓના મતે જો શહેરની હવા સાથ આપે તો સુવર્ણજડિત શિવજીના સંપૂર્ણ દર્શન થઈ શકે તેમ છે. આગામી સમયમાં શિવજીની મૂર્તિ ફરી નવેસરથી ઢાંકી દેવામાં આવે છે કે પછી હવા સાથ આપે છે તે જોવું રહ્યું.
મુખ્યપ્રધાનના આગમન પૂર્વે જ પ્રતિમાના દર્શન થયાઃઉલ્લેખનીય છે કે, સૂરસાગર તળાવમાં આવેલા સર્વેશ્વર મહાદેવની પ્રતિમા સુવર્ણજડિત થઈ છે. આ પ્રતિમાને શિવરાત્રીના પર્વ પર મહાઆરતી કરવામાં આવતી હોય છે અને તે પણ ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન હસ્તે કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે મુખ્યપ્રધાનના આગમન પૂર્વે જ આ પ્રકારે શિવજીની સુવર્ણજડિત પ્રતિમાની ઝલક શિવરાત્રીના દિવસ પૂર્વે જ દેખાતા રાહદારીઓમાં ખુશી જોવા મળી હતી. આ પ્રતિમા 111 ફૂટ ઊંચી આવેલી છે અને આ સુરસાગર તળાવમાં બોટીંગ વ્યવસ્થા પણ કરવામાં આવી છે જેથી કરી ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.