30 જેટલા કોમ્પ્યુટર્સ અને ઓડીયો વિઝયુઅલ ઇક્વીપમેંટસથી સુસજ્જ ઇન્ડિગો વોટર અવેરનેસ વાન-ઇન્ડિગો મતદાન પ્રચાર રથ શહેર-જિલ્લામાં ફરીને મતદાન કરવાની જાગૃતિ કેળવશે. ઈન્ડિગો એરલાઇન્સ અને SRF ફાઉન્ડેશનના સહયોગથી મતદાન જાગૃતિનો એક વધુ અભિનવ આયામ સાકાર કરાયો છે. વિવિધ વિસ્તારોમાં ફરીને મતદારોને મતદાનની તારીખ સહિત વિવિધ બાબતોની સચોટ જાણકારી આપવા અને મત આપવા પ્રોત્સાહિત કરવા માટે વોટોત્સવ વડોદરા એક્સપ્રેસ-મતદાન જાગૃતિ પ્રચાર રથને ફરતો મૂકાયો હતો.
વડોદરાના યુવા મતદારોને પ્રોત્સાહિત કરવા માટે ઇન્ડિગો મતદાન પ્રચાર રથનું પ્રસ્થાન - Gujarati News
વડોદરાઃ શહેરમાં યુવા મતદારોને પ્રોત્સાહિત કરવા માટે એક ખાસ પ્રકારના મતદાન પ્રચાર રથનું પ્રસ્થાન વડોદરા જિલ્લા ચુંટણી અધિકારીના હસ્તે કરવામાં આવ્યું હતું.
ઈન્ડિગો એરલાઇન્સની એર શટલ તરીકે ઓળખાતી મોટી બસને વોટોત્સવ એક્સપ્રેસના રૂપમાં જિલ્લા ચૂંટણી અધિકારી શાલિની અગ્રવાલે પ્રસ્થાન કરાવ્યું હતું. મતદાન જાગૃતિમાં આવો ઉમદા સહયોગ આપીને સંસદીય લોકશાહીને મજબૂત કરવામાં યોગદાન આપવા માટે ઇન્ડિગોને તેમણે બિરદાવી હતી. આ રથમાં સેવા આપનારા વિદ્યાર્થી સ્વયંસેવકો સાથે મુલાકાત કરી હતી. આ વાહન ભારતના ચૂંટણી પંચના પ્રતીકો, મતદાન પ્રોત્સાહક પોસ્ટર્સ જેવી સામગ્રીથી સજાવવામાં આવ્યું છે અને દ્રશ્ય -શ્રાવ્ય પ્રચારની પણ તેમાં સુવિધા છે.
ખાસ કરીને સ્વિપ સાથે જોડાયેલ વિદ્યાર્થી સ્વયં સેવકો અને કેમ્પસ એમ્બેસેડર્સ આ વાનમાં પ્રવાસ કરીને રેપસોંગ, જિંગલ્સ, જીવંત અભિનય, સંવાદો દ્વારા લોકોને મતદાનની અગત્યતા સમજાવશે. આ વેન વિવિધ વિસ્તારોમાં ફરીને લોકોને મતદાનની તારીખ અને મતદાન કરવાની ફરજની સતત યાદ અપાવતા રહેશે.