વડોદારા : વડોદરાથી ગોવા જવા માટે હવે યાત્રીઓએ બે ફ્લાઇટ બદલવાની જરૂર નહીં પડે. કેમકે હવે વડોદરાથી ગોવાની માટે ઈન્ડિગોની ફ્લાઇટ અઠવાડિયામાં ત્રણ દિવસ માટે શરૂ કરી દેવામાં આવી છે. જેનો આજથી 22/05/2023 પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. આ કારણે વડોદરા પંથકના મુસાફરોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. ઈન્ડિગોની ફ્લાઇટ સોમવાર, શુક્રવાર અને રવિવાર એમ અઠવાડિયામાં ત્રણ દિવસ વડોદરાથી ગોવા અને ગોવાથી વડોદરા માટે માટે ઉડાન ભરશે.
ગોવા અને વડોદારા વચ્ચે ફ્લાઇટ સેવાનો પ્રારંભ : આજે વડોદરાનાં સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય કેયુર રોકડિયા સહિત શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ, મેયર નિલેશ રાઠોડની ઉપસ્થિતિમાં ફ્લાઈટનો પ્રારંભ કરાયો હતો. ફ્લાઈટની શરૂઆતના પહેલા જ દિવસે ખૂબ મોટી સંખ્યામાં યાત્રીઓનો ઘસારો જોવા મળ્યો હતો. આજે નવી શરૂ કરવામાં આવેલ ફ્લાઇટમાં હનીમૂન મનાવવા ગોવા જઈ રહેલા એક કપલનું સાંસદ રંજનબેન ભટ્ટે કેક કાપી અભિવાદન પણ કર્યું હતું.
વડોદરાવાસીઓને કંઇકને કંઇક લાભ આપવાનો પ્રયત્ન કર્યો છે. વડોદરા અને મધ્યગુજરાતના તમામ લોકોની ઇચ્છા હતી કે ગોવાની ફ્લાઇટ વડોદરાથી શરૂ થાય આ ઇચ્છા આજે પૂર્ણ થઇ છે અને વડોદરા અને મધ્યગુજરાતના તમામ લોકોને આ સુવિધા મળી છે. વડોદરા વાસીઓને હવે અમદાવાદ કે સુરત નહીં જવુ પડે સીધા વડોદરાથી ગોવા જઇ શકશે. હવે વડોદરાથી ડાયરેક્ટ ગોવા ફ્લાઇટ શરૂ થતા સમય અને રૂપિયા બન્નેની બચત થશે. - સાંસદ રંજનબેન ભટ્ટ