વડોદરા :આજરોજ શહેર ખાતે આવી પહોંચેલા માછીમારોને કતારબદ્ધ રીતે ટ્રેનના ડબ્બામાંથી ઉતારવામાં આવી રહ્યા હતા. ત્યારે, તેમાં એક સાગરખેડૂ તેમણે પોતાના હાથમાં પહેરેલા મોતીકામથી બનેલા બ્રેસલેટથી કંઇક અલગ તરી આવતો હતો. પાકિસ્તાનની જેલમાં આવું બ્રેસલેટ ક્યાંથી મળ્યું હશે? એવો પ્રશ્ન સ્વભાવિક થાય છે. તેમને પૂછવામાં આવ્યું તો માછીમારે તુરંત પ્રત્યુત્તર આપ્યો કે, કલાને ક્યારેય લૂંટી શકાતી નથી. મે જાતે બનાવ્યું છે અને કરાંચીની જેલમાં પણ બનાવીને વેંચતો હતો !
અન્ય માછીમારોએ સધિયારો આપ્યો :દિવના વણાકબારા ખાતે રહેતા જીતુભાઇ સોમાભાઇ બામણિયા અરબી સમુદ્રમાં માછીમારી કરતા હતા. ત્યારે પાકિસ્તાન મરીન્સ દ્વારા તેમને પકડી લેવામાં આવ્યા હતા અને કરાંચીની જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા. જીતુભાઇના પરિવારમાં પત્ની ઉપરાંત બે દીકરા અને એક દીકરી પણ છે. જેલમાં ગયા એટલે જીતુભાઇ પ્રથમ કેટલાક દિવસો પડી ભાંગ્યા હતા. ત્યાં રહેલા બીજા માછીમારોએ તેમને સધીયારો આપ્યો અને તેઓ ફરી માનસિક રીતે સ્વસ્થ બન્યા હતા.
મોતીકામ કરી બ્રેસલેટ બનાવ્યા :ત્યારબાદ જીતુભાઇએ પોતને આવડતી મોતીકામની કલા ઉપર ફરી કામ કરવાનું શરૂ કર્યું. જેલના સત્તાધીશો મારફત તેમણે તોલા ઉપર મોતી અને દોરા મંગાવી બ્રેસલેટ બનાવવાનું શરૂ કર્યું. તેમણે બનાવેલા બ્રેસલેટ એટલા કલાત્મક હતા કે કરાંચીની જેલના અધિકારીઓને પણ ખૂબ જ પસંદ પડી ગયા અને તેમણે ખરીદવાનું શરૂ કર્યું.
એક બ્રેસલેટના રૂ. 400 કમાયા :જીતુભાઇને ઉર્દુ આવડે નહીં પણ અક્ષરોના ઢાળના આધારે બ્રેસલેટમાં નામની ભાત ભરી આપે. આ નામવાળા બ્રેસલેટની ભારે માંગ રહેતી હતી અને તેઓ એક બ્રેસલેટ ચારસો રૂપિયા સુધીમાં વેંચતા હતા. તેમાંથી તેમને આવક થતી હતી. જીતુભાઇ તેમને આવડતી કલાથી કારાવાસનો કપરો સમય પસાર કરી શક્યા હતા.
જેલવાસ દરમિયાન અંદાજીત રૂ.50 હજારથી વધુ કમાયા : પાકિસ્તાનની જેલમાં રહી રો-મટીરીયલના માધ્યમથી મોતીકામ કરી કમાણી કરતા હતા. તેઓ એક અઠવાડિયાના અંદાજીત 7 થી 8 બ્રેસલેટ વેંચતા હતા. એક બ્રેસલેટ પાછળ ચારસો રૂપિયા કમાતા હતા. જેથી મહિને 12 હજાર રૂપિયાની અંદાજીત કમાણી કરી હતી. તેઓ ચાર વર્ષથી પાકિસ્તાનની કરાચી જેલમાં બંધ હતા. પરંતુ મોતી દ્વારા બ્રેસલેટ બનાવવાનું અંદાજે દોઢ વર્ષ કામ કર્યું જેમાં અંદાજીત રૂ. 50 હજાર જેટલો નફો મેળવ્યો હતો.
- Gujarat fishermen Released : ગુજરાતના 200 માછીમારો પાકિસ્તાન જેલમાંથી મુક્ત, વડોદરાથી વતન રવાના થતાં વ્યક્ત કરી આશા
- Vadodara News: પાકિસ્તાનની જેલમાં બંધ 184 માછીમારો ભારત પરત, કહ્યું ડિસિપ્લિન ન રાખીએ તો માર મારતા