- શ્રી મલ્હાર મ્હાલસાકાંત મરાઠા મંગલ કાર્યાલયનું ઉદઘાટન
- શુભાંગીનીરાજે અને સમરજીતસિંહ ગાયકવાડના હસ્તે શુભારંભ
- મરાઠા મંદિરમાં યુવાનોને અપાશે ભરતી પ્રક્રિયામાં તાલીમ
વડોદરા : શહેરના વાડી વિસ્તારમાં આવેલા ખેડકર ફળિયા ખાતે નવનિર્મિત શ્રી મલ્હાર મ્હાલસાકાંત મરાઠા મંગલ કાર્યાલયનો ઉદઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે વડોદરાના શ્રીમંત રાજમાતા શુભાંગીનીરાજે ગાયકવાડ, શ્રીમંત મહારાજા સમરજીતસિંહ ગાયકવાડના હસ્તે ધારાસભ્ય સીમાબેન મોહિલે પાલિકાના વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ તેમજ કાર્યાલયના પ્રમુખ રણજીત ચૌહાણ સહિત વિવિધ મહાનુભાવોની ખાસ ઉપસ્થિતિ વચ્ચે શ્રી મલ્હાર મ્હાલસાકાંત મરાઠા મંગલ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
વાડી ખેડકર ફળિયા ખાતે શ્રી મલ્હાર મ્હાલસાકાંત મરાઠા મંગલ કાર્યાલયનું ઉદ્ઘાટન મહિલાઓને આત્મનિર્ભર કરવા શરૂ કરાશે ગૃહઉદ્યોગ
આ કાર્યાલયના સંકુલ પરિસરને મહારાજા રણજીતસિંહ ગાયકવાડ નામ ,ગ્રાઉન્ડફ્લોર પર આવેલા હોલનું નામ શિવજીરાવ પવલે અને પ્રથમ માળે આવેલ હોલનું નામ રાવસાહેબ ભોયટે રાખવામાં આવ્યું છે. જેઓએ આ સમાજ કાર્યમાં અનુદાન આપ્યું, અથાગ મહેનત કરી, માર્ગદર્શન આપ્યું, એવા તમામ લોકોનો આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સંકુલમાં વિવિધ પ્રકારની તાલીમ આપવામાં આવશે. જેવી કે, પોલીસ , મિલીટ્રી , સેલટેક્સ વગેરે જેમાં ભરતી થવા ઈચ્છતા હોય તો તેઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. આ સાથે સાથે આ કેન્દ્રમાં મહિલાઓને રોજગારીની તક ઉભી કરવા ગૃહઉદ્યોગ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત શિવ જયંતિ, ગુડી પડવો, શ્રી રણજીતસિંહ મહારાજની જયંતિ વગેરે કાર્યક્રમ આ મરાઠા મંદિર મારફતે કરવામાં આવશે.