- ખેડૂતોના ભારત બંધના એલાનને વડોદરા કોંગ્રસે આપ્યું સમર્થન
- જાંબુવાથી તરસાલી તરફ જતા હાઈવે પર ટાયરો સળગાવાયા
- કોંગ્રેસના કાર્યકર્તાઓએ ચક્કાજામ કરી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા વડોદરામાં કોંગ્રેસે જાંબુવાથી તરસાલી હાઈવે પર ચક્કાજામ કરતા ટ્રાફિકજામ થયો
વડોદરાઃ નવા કૃષિ કાયદાના વિરોધમાં અપાયેલા ભારત બંધના સમર્થનમાં વડોદરામાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેને પગલે વડોદરા નજીક નેશનલ હાઈવે પર જાંબુવા બ્રિજથી તરસાલી તરફના હાઈવે પર કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોએ ટાયરો સળગાવીને વિરોધ કર્યો હતો. આથી હાઈવે પર ટ્રાફિકજામ થયો હતો.
નેશનલ હાઈવે નંબર 8 પર કલાકો સુધી રહ્યો ટ્રાફિકજામ
કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા નવા કૃષિ કાયદાને લઈને વડોદરામાં મંગળવારે 10 ટ્રેડ યુનિયન, 15 જેટલા રાજકીય પક્ષો અને 200થી વધુ ખેડૂત સંગઠનોએ બંધ પાળ્યું હતું. આ ધરણાં પ્રદર્શન કરવાનો કાર્યક્રમ જાહેર કર્યો હતો, જેના ભાગરૂપે કોંગ્રેસ પક્ષ દ્વારા ભારત બંધને સફળ બનાવવાના પ્રયત્નો સવારથી શરૂ થઈ ગયા હતા. જ્યારે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ વેપારી મંડળો સહિત વિવિધ સંગઠનોના આગેવાનો સાથે બેઠકનો દોર યોજી બજારો ખૂલ્લા રાખવા સમજાવ્યા હતા.