વડોદરાઃ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસને લઈને દહેશતનો માહોલ છે, ત્યારે ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા પણ જાગૃતિ અંગેની કામગીરી કરવામાં આવી રહીં છે. ગુજરાત સરકાર તરફથી પ્રેસ કોન્ફરન્સ કરીને આગામી 2 અઠવાડિયા માટે શાળા-કોલેજો તેમજ સિનેમા, મોલ, સ્વિમિંગ પૂલ, જિમ્નેશિયમ બંધ રાખવા માટે જાહેરાત કરવામાં આવી હતી.
કોરોના વાયરસની દહેશત વચ્ચે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું, કલેક્ટરે પત્રકાર પરિષદ યોજી જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં કોરોના વાયરસને લઈને જિલ્લા વહીવટીતંત્ર, વડોદરા મહાનગર પાલિકા અને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી અને અન્ય સાવચેતીના પગલાં માટેની માહિતી પૂરી પાડવામાં આવી હતી.
પરિષદમાં કલેક્ટરે જણાવ્યું કે, વડોદરા શહેરમાં ભારત સરકાર અને ગુજરાત સરકારની ગાઇડ લાઇનનું પાલન કરવામાં આવી રહ્યું છે અને શહેરની સયાજી હોસ્પિટલ ખાતે શંકાસ્પદ લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. વેપારીઓ અંગે તેમણે જણાવ્યું કે, વધારે કિંમતમાં માસ્ક વેચનારા 18 જેટલા વેપારીઓને રૂપિયા 30 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.
વધુમાં કલેક્ટરે જણાવ્યું કે, જિલ્લામાં 351 શંકાસ્પદ લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. જેમાંથી 7 વ્યક્તિઓના સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતાં. જે તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.