વડોદરા:ગુજરાત એટીએસની ટીમે ડ્રગ્સ માફિયાઓને પકડવાની સાથોસાથ પકડ્યા બાદ તેઓએ ડ્રગ્સના ગેરકાયદેસર કારોબારથી મેળવેલા પૈસાથી બનાવેલી સંપત્તિ પણ ટાંચમાં લેવાની કાર્યવાહી હાથ ધરી છે. આ જ પ્રકારે ગુજરાત એટીએસની ટીમને વડોદરામાંથી ઝડપેલી ડ્રગ્સ ફેક્ટરી મામલે પકડાયેલા આરોપીઓની કરોડો રૂપિયાની મિલકત સિઝ કરી છે.
આઠ આરોપીઓની ધરપકડ:પોલીસ દ્વારા અપાયેલી માહિતી અનુસાર ગુજરાત એટીએસની ટીમે 16 ઓગસ્ટ 2022 ના રોજ મોટું ઓપરેશન હાથ ધરી વડોદરા જિલ્લાના સાવલી તાલુકાની મોકસી ગામની સીમમાં મેટર કેમ નામની ફેક્ટરીમાંથી 225.053 કિલોગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જે મામલે ગુજરાત એટીએસ દ્વારા એનડીપીએસની એક્ટ હેઠળ ગુનો દાખલ કરી 1125.265 કરોડ રૂપિયાના ડ્રગ્સને પકડીને આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
કરોડોની મિલકત કરાઈ સીઝ: પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આ કેસમાં આરોપીઓ દ્વારા ડ્રગ્સના વેચાણમાંથી મેળવેલી રકમથી બનાવેલી મિલકત ઉપર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મામલે એનડીપીએસ એક્ટની ક. 68(એફ) મુજબ જપ્તીની કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસમાં એટીએસની ટીમે રાકેશ ઉર્ફે રાકો મકાણી, વિજય વસોયા, પિયુષ પટેલ અને મહેશ ઉર્ફે મહેશ ધોરાજી દ્વારા એમ.ડી ડ્રગ્સના ગેરકાયદેસર વેચાણ વેપાર દ્વારા મેળવેલા પૈસાથી વસાવેલી ત્રણ કરોડ 13 લાખ 22 હજારની કિંમતની મિલકત શોધીને ઓળખી કાઢી તેને ફ્રીજ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.
એનડીપીએસ એક્ટની હેઠળ તપાસ:આરોપીઓ ગેરકાયદેસર રીતે વસાવેલી મિલકત ટ્રાન્સફર કરી તેને છુપાવી શકે નહીં અને આ મિલકત સંબંધે આરોપીઓ કે તેના સાગરીતો દ્વારા કોઈ વ્યવહાર કરી શકાય નહિ તે માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. મિલકત જપ્ત કરવાની આગળની કામગીરી માટે ગેરકાયદેસર વસાવેલી મિલકતોની વિગતો એનડીપીએસ એક્ટની હેઠળ તપાસ અધિકારીને આપવામાં આવી છે.
- Surat Crime : આરટીઆઈ અરજદારે નવી સિવિલ હોસ્પિટલ સુપરિન્ટેન્ડન્ટ સાથે અભદ્ર વર્તન કર્યું, સાથે લાવેલો છરો
- AP News: આંધ્રના વિશાખાપટ્ટનમમાં નશાના 7000 ઈન્જેક્શન ઝડપાયા, છની ધરપકડ