- ઓર્ગેનિક ખેતી તરફ ધર્મેશભાઇએ પહેલ કરી
- 10 કિલો કાચા કેળાની છાલમાંથી દોઢ કિલો પાવડર બનાવ્યો
- 5 કિલો દેશી ટામેટાંમાંથી અઢીસો ગ્રામ પાવડર બનાવ્યો
વડોદરા : જીવનના દરેક ક્ષેત્રમાં સાહસની સાથે પ્રયોગશીલતા વધુ સફળતા આપે છે. ખેતીનું ક્ષેત્ર પણ એમાંથી બાકાત નથી. ખેતીમાં સતત નવા પ્રયોગો કરનાર ખેડૂતો ખેતીને વધુ વળતરયુક્ત બનાવવામાં પ્રેરક બને છે. સાવલી તાલુકાના વાંકાનેર ગામના ખેડૂત ધર્મેશભાઈએ એક પ્રયોગ તરીકે 10 કિલો કાચા કેળાની છાલ કાઢીને ચિપ્સ બનાવી તેને મધ્યમ તાપમાં સૂકવીને લગભગ દોઢ કિલો પાવડર બનાવ્યો છે. તે જ રીતે 5 કિલો દેશી ટામેટાંમાંથી ઉપરની પ્રક્રિયા પછી લગભગ અઢીસો ગ્રામ પાવડર બન્યો છે.
કાચા કેળાનો પાવડર કેલશ્યિમથી સમૃદ્ધ હોય
કાચા કેળાનો પાવડર કેલશ્યિમથી સમૃદ્ધ હોઇ અન્ય લોટ સાથે ભેળવી તેનો રોટલી, ભાખરી બનાવવામાં ઉપયોગ થઈ શકે. તેનો શીરો અને ફરાળી વાનગીઓ બની શકે. તેજ રીતે ટામેટાનો ખટમીઠો પાવડર રસોઈને ચટાકેદાર બનાવી શકે અને મોટો ફાયદો એ કે તેમાં કોઈ હાનિકારક રાસાયણિક તત્વો પણ ના હોય. તે આ જ રીતે કેળાની વેફર, ટામેટાંનો સોસ બનાવવાનું વિચારી રહ્યાં છે.
પ્રોડક્ટ બનાવી વેચાણ કરવાથી પોષણક્ષમ આવક થઈ શકે
કેળાં કે ટામેટાં જેવી ખેત પેદાશો જ્યારે મબલખ પાકે છે. ત્યારે ભાવ ગગડી જેવા માંગ અને પુરવઠાનો નિયમ છે. આવા સમયે પાણીના મુલે પાક વેચી દેવો એના કરતા આવી પ્રોડક્ટ બનાવી વેચાણ કરવાથી પોષણક્ષમ આવક થઈ શકે એવું એમનું કહેવું છે. હાલમાં તેમણે કેળા અને ટામેટાંનો પાવડર ફેમિલી ફાર્મરના સદસ્ય ગ્રાહકોને ટેસ્ટીંગ માટે આપ્યો છે. ફેમિલી ફાર્મર એ એક એવું અનૌપચારિક ગ્રુપ છે.જે શુદ્ધ સાત્વિક ખેતી કરનારા ધર્મેશભાઈ જેવા ખેડૂતોની ઓર્ગેનિક ખેત પેદાશો અને ગાયનું દૂધ ખરીદે છે.