- ડભોઈમાં કમોસમી વરસાદના કારણે પાક ધોવાયો
- ખેડૂતોને રૂ. 8થી 10 લાખનું નુકસાન વેઠવું પડ્યું
- ગુજરાતના અનેક જિલ્લામાં પડ્યો કમોસમી વરસાદ
વડોદરાઃ દર વખતે વરસાદ એ ખેડૂતો માટે આશીર્વાદરૂપે આવે છે, પરંતુ ઓક્ટોબર મહિનામાં પડેલો કમોસમી વરસાદે તો ખેડૂતોને રોવડાવી દીધા છે. આ વખતે વરસાદ આફત સ્વરૂપે આવ્યો છે. ખેડૂતોએ 3 મહિના સુધી સતત દિવસ-રાત ડાંગરની માવજત કરી અને હવે, જ્યારે તેને બહાર કાઢવાનો સમય આવ્યો ત્યારે વરસાદ પડ્યો. આથી ડભોઈ તાલુકાના ઢોલાર કડાદરા વસઈ સહિતના ગામોમાં અંદાજે 800થી વધારે એકરમાં ડાંગરના પાક બળીને ખાખ થઈ ગયો છે, જેને લઈ ડભોઈ તાલુકાના ત્રણ ગામના ખેડૂતો આર્થિક સંકડામણમાં મૂકાયા છે. વહેલી તકે સરકાર દ્વારા સહાય આપવામાં આવે તેવી ખેડૂતોએ માગ કરી હતી.
ડભોઈમાં કમોસમી વરસાદે ખેડૂતોને રડાવ્યા, 10 લાખનો પાક ધોવાયો સરકાર સહાય આપે તેવી માંગ
ડભોઈ તાલુકામાં બે દિવસ પૂર્વે પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. બીજી બાજુ રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ 233 તાલુકાને આવરી લેવામાં આવ્યા હતા, પરંતુ વડોદરા જિલ્લાને અતિવૃષ્ટિમાંથી બહાર કાઢ્યો હતો. આથી ખેડૂતોને હજી સુધી તેની સહાય મળી નથી. ત્યાં બીજી બાજુ કમોસમી વરસાદે ખેડૂતોના 800 એકરથી વધારે ડાંગરના પાકને નુકસાન પહોંચાડ્યું છે. પાક લેવા માટે ડભોઈ તાલુકાના ખેડૂતોએ અનેક પ્રકારની લોન લીધી હતી અને ડાંગરનો પાક સારો થાય તેવી આશા સાથે લોનની ભરપાઈ કરવાનું સંપૂર્ણ આયોજન કર્યું હતું, પરંતુ વરસાદે આખી બાજી ફેરવી નાખી હતી.
તાત્કાલિક અસરથી સહાય આપવા ખેડૂતોની માગ
હાલમાં જ ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખી વડોદરા જિલ્લાને સમાવવામાં આવે તેની માગ કરી હતી. પરંતુ હજી સુધી સરકાર દ્વારા કોઈ જાહેરાત નથી થઈ. આથી ખેડૂતોમાં સરકાર સામે રોષ જોવા મળ્યો છે. ત્યારે હવે ડભોઈ તાલુકાના ઢોલાર, કડાદરા, વસઈ ગામના ખેડૂતોની નવી માગ ઉચ્ચારી છે, જેમાં તાજેતરમાં થયેલી અતિવૃષ્ટિને લઈને જે નુકસાન થયું છે તેનો સરવે કરાવવામાં આવે અને તાત્કાલિક અસરથી તેની સહાય કરવામાં આવે. આ સાથે જ શિયાળુ પાક લેવાની તૈયારી છે ત્યારે ખેડૂતો પાસે પૈસા નથી અને ખેડૂત પાયમાલ થયો છે.