વડોદરા : રાજ્ય સરકારની સૂચના મુજબ વડોદરા મહાનગરપાલિકાની ટીમ પૂરજોશમાં કામે લાગી છે. પહેલા ગેરકાયદેસર ચાલતા ઢોરવાડા તોડી પાડ્યા બાદમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા અને શહેરમાં અનેક જગ્યાએ રસ્તાઓ ખુલ્લા કરવામાં આવ્યા હતા. હવે શહેરમાં ચાલતી લાયસન્સ વિનાની મટન અને ચિકનની દુકાનો પર પાલિકાએ કાર્યવાહી હાથ ધરી છે. ગેરકાયદેસર રીતે અનસ્ટેમ્પડ મીટ વેચતી મટનની દુકાનો સીલ કરવામાં આવી છે.
39 દુકાનોને સીલ : વડોદરા મહાનગરપાલિકાની ટીમ નવાપુરા વિસ્તારમાં પહોંચી હતી. જ્યાં ખાટકીવાડમાં લાયસન્સ વિના ચાલતી મટન શોપ પર સીલ મારવાની કામગીરી કરી હતી. જ્યારે ગઇકાલે પોલીસ બંદોબસ્ત સાથે પાલિકાની ટીમે બાવામાનપુરામાં નોનવેજની દુકાનો સીલ કરી હતી અને નોટીસ પણ આપવામાં આવી હતી. આજે પણ કાર્યવાહી દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી પોલીસને સાથે રાખવામાં આવી હતી. શહેરમાં કુલ ત્રણ જગ્યા પર નોનવેજની લાયસન્સ ન ધરાવતી અને રીન્યુ ન કરાવતી દુકાનો પર પાલિકાએ કાર્યવાહી કરી છે. જેમાં 39 દુકાનોને સીલ મારવામાં આવી હતી.
ક્યાં વિસ્તારમાં સીલની કામગીરી : મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ, દબાણ શાખા, પોલીસ વિભાગને સાથે રાખી શહેરના બાવામાનપુરા, પાણીગેટ, મોગલવાડા, યાકુતપુરા, ફતેગંજ, છાણી, છાણી જકાતનાકા, નીઝામપુરા, પેન્શનપુરા વિસ્તારોમાં આવેલ 39 જેટલા લાયસન્સ રજીસ્ટ્રેશન વગર ધંધો કરતા ગેરકાયદેસર રીતે અનસ્ટેમ્પડ મીટ વેચતા,અનહાઇજેનીક ચીકન મટનની દુકાનો સીલ બંધ કરવામાં આવી હતી.
કેબિનેટ બેઠકમાં નિર્ણય : ઉલ્લેખનીય છે કે, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં ગેરકાયદેસર ચાલતી મટનની દુકાનો બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ પહેલા પણ ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગેરકાયદેસર ચાલતી મટનની દુકાન બાબતે ટિપ્પણી કરાઈ હતી, ત્યારે કેબિનેટ બેઠકમાં ગેરકાયદેસર ચાલતી મટનની દુકાનોને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના પ્રત્યેક નાગરિકને આરોગ્યપ્રદ ભોજન મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ છે. જાન્યુઆરી મહિનામાં DLSA દ્વારા રાજ્યમાં નગરપાલિકા, મહાનગરપાલિકા વિસ્તારની 4300થી વધુ મીટની દુકાનોનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાંથી લાયસન્સ વગર અને બિનઆરોગ્યપ્રદ મીટ વહેંચતી 3200થી વધુ દુકાનો ધ્યાને આવતા દુકાનદારો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યા છે.