ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માંગે છે વડોદરા: આજે ધોરણ 12 સામન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. આ પરિણામમાં શહેરના હરણી રોડ પર આવેલી સુમન પાર્ક સોસાયટીમાં રહેતી અને મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામની બીમારીથી પીડાતી પૂર્વા પાઠકે ધોરણ 12 કોમર્સમાં 80 પર્સન્ટાઈલ મેળવ્યા છે. તેના પરિવાર માટે પણ આ સફળતાનો પાથ ખૂબ સંઘર્ષપૂર્ણ બની રહ્યો હતો.
મુશ્કેલીને નેવે મૂકી મહેનત કરી : ગુજરાતીમાં કહેવાય છે કે "અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો" આ વાક્યને પૂર્વા પાઠકે જાણે કે સાર્થક કર્યું છે. પૂર્વા શારીરિક ફિટનેસ માટે ફિજિયોથેરાપીના બદલે માત્ર ભણવું છે તેવું કહી માત્ર અભ્યાસ કર્યો અને હવે તે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માંગે છે. તે ચાલી શકતી નથી જેથી માતાપિતા દ્વારા તેની દેખરેખ રાખવામાં આવે છે.
મારા રિઝલ્ટથી હું ખુબ ખુશ છું. મેં ખૂબ જ મહેનત કરી હતી, જેનું મને આજે પરિણામ મળ્યું છે. જ્યારે હું સ્કૂલે જતી હતી ત્યારે વારંવાર હું પડી જતી હતી. તેમ છતાં તમે પ્રયત્ન કરવાનું છોડ્યું નહોતું, મારા મમ્મી પપ્પાએ મને ખૂબ જ સપોર્ટ કર્યો છે. હું ચાલી શકતી નથી જેથી મારા પપ્પા જીજ્ઞેશભાઈ મને ઉંચકીને સ્કૂલે મૂકવા માટે આવતા હતાં. આજે મારા માતાપિતા પણ મારા પરિણામથી ખૂબ ખુશ છે. હું આગળ સીએનો અભ્યાસ કરીને સીએ બનાવવા માંગુ છું અને મારા સપનાને સાકાર કરવા માગું છું...પૂર્વા પાઠક (મસ્ક્યુલર ડિસ્ટ્રોફીથી પીડિત વિદ્યાર્થિની)
ડાન્સ કલાસ દરમ્યાન બીમારી સામે આવી: પૂર્વાની માતા ચાર્મીબેન પાઠકે જણાવ્યું હતું કે, મારી બાળકીને જન્મથી કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન હતી. પરંતુ તેને 6 વર્ષ બાદ ડાન્સ ક્લાસમાં મોકલી હતી ત્યારે તેના ડાન્સ ટીચરે અમને જણાવ્યું કે આ કેમ સપોર્ટ વગર ઉભી નથી રહી શકતી. ત્યારે અમે તને વિવિધ નિષ્ણાતો પાસે નિદાન કરાવ્યું હતું. નિદાન દરમ્યાન કોઈ તબીબે થાઇરોઇડનું ઓપિનિયન આપ્યું જેથી વજનમાં વધારો થયો. પરંતુ અન્ય નિષ્ણાત ડોક્ટરે તેને મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામની બીમારી હોવાનું જણાવ્યું જેને સામાન્ય રીતે મસલ્સ નબળા પાડવા તેવું કહી શકાય છે.
મારી દીકરીએ ટ્યુશન વગર સારું પરિણામ મેળવ્યું છે. આ ઉપરાંત ઉર્મિ સ્કૂલના શિક્ષકોએ પણ મારી દીકરીને ખૂબ સપોર્ટ કર્યો છે, તેઓ હંમેશા મારી દીકરીને પૂછતાં હતાં કે તને શું નથી આવડતું? તેઓ ખૂબ સપોર્ટ કરતા હતાં. સ્કૂલ પહોંચતા જ વ્હીલચેર લઈને સ્ટાફ આવી જતો હતો. આ દરમિયાન મેં મારી દીકરી માટે ફિઝિયોને પણ બતાવ્યું હતું. મારી ઈચ્છા હતી કે, મારી દીકરી ચાલતી થાય. પરંતુ આ દરમિયાન તે ચાલતા ચાલતા ઘણી વખત પડી જતી હતી. મારી દીકરીએ ટ્યુશન વગર સારું રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે. તેનું મન મક્કમ છે. તે સપોર્ટ વગર ચાલી કે ઉભી થઇ શકતી નથી. ઘણીવાર તે પડી જાય છે પરંતુ ક્યારેય મને નથી કીધું કે મને વાગ્યું છે. માત્ર ભણવા પ્રત્યે અભિગમ દાખવી આજે પરિણામ સારું મેળવ્યું છે...ચાર્મીબેન પાઠક (પૂર્વાની માતા)
અનેક વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રોત : આ અંગે માતાનું કહેવું છે કે આ નિદાન માટે ચોક્કસ દવા શોધાઈ નથી. પરંતુ આ બીમારી માટેના ઇન્જેક્શન આવે છે જે ખૂબ જ ખર્ચાળ છે. આ ખર્ચ પરિવાર ભોગવી શકે તેમ નથી. આ બીમારીને લઈ માતાપિતા સાથે પરિવારનો ખૂબ મોટો સહકાર આ દીકરીને આપવામાં આવી રહ્યો છે. પરંતુ જ્યારે 90 ટકા ડીસેબિલીટી હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ સક્ષમ હોતું નથી. નિરંતર એક વ્યક્તિએ તેની સાથે રહેવું પડે છે તે ખૂબ મોટી બાબત છે. હાલમાં પરિણામ બાદ હવે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માંગે છે. મુશ્કેલીઓ વચ્ચે પણ અભ્યાસ કરી આગળ વધવા માટે અનેક વિદ્યાર્થીઓ માટે પ્રેરણા સ્ત્રોત છે આ દીકરી.
- HSC Result 2023 : સુરતમાં આંગણવાડી કાર્યકર્તાની દીકરીની મહેનત રંગ લાવી, શાળાએ લીધો ખૂબ સરસ નિર્ણય
- HSC Result 2023 : અમદાવાદની દેવાંશી ડાભીએ વિના ટ્યૂશને મેળવ્યો એ વન ગ્રેડ, ફક્ત શાળા શિક્ષણથી સફળતા મેળવી
- HSC Result 2023 : રાજકોટમાં પાણીપુરી વેચનારની દીકરીએ ધોરણ 12માં 99.93 PR મેળવ્યા