વડોદરા: દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળી ધૂળેટી પર્વ હર્ષોલ્લાસભેર મનાવવામાં આવી રહ્યું છે. જોકે, આ વખતે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસને લઈ સરકાર એક્શન મોડમાં છે. કોરોના વાયરસને લઈ સાવધાનીના પગલાં સહિત સાદગીભર્યા માહોલ અને ભીડ-ભાડ કર્યા વગર હોળી પર્વ મનાવવાની અપીલ સાથે પોતાના સરકારી કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે.
વડોદરામાં પ્રજ્ઞાચક્ષુઓ સાથે હોળી પર્વની વિશિષ્ટ ઉજવણી કરતાં નિશિતા રાજપૂત - નિશિતા રાજપૂત
વડોદરા શહેરની દિકરી નિશિતા રાજપૂતે સોમવારે કમાટી બાગમાં શહેરના વિકલાંગ અને પ્રજ્ઞાચક્ષુ ભાઈ-બહેનો સાથે કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને હોળીનું પર્વ અનોખી રીતે મનાવ્યું હતું.
બીજી તરફ, વડોદરા શહેરની દિકરી અને સામાજિક કાર્યકર નિશિતા રાજપૂત દ્વારા કોરોના વાયરસ અંગે જાગૃતતા આવે તેવા ઉમદા હેતુસર કમાટીબાગ ખાતે અંધજનો અને વિકલાંગ ભાઈ-બહેનો સાથે હોળી પર્વ મનાવવામાં આવ્યું હતું.
આ ઉજવણીમાં વિકલાંગ અને અંધજન ભાઈ-બહેનોને માત્ર તિલક કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તમામને હોળીધૂળેટી પર્વ નિમિત્તે ખજૂર ભેટ આપવામાં આવી હતી. ભારતમાં પણ કોરોના વાયરસનો પ્રવેશ થઈ ચુક્યો છે, ત્યારે તે અંગે પણ અંધજનો અને વિકલાંગ ભાઈ-બહેનોને કોરોના વાયરસથી બચવા અંગેના ઉપાયો સહિતનું જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.