વડોદરા એક સમયે ગુજરાતના વનોનું પ્રવેશ દ્વાર ગણાતું હતું. વડોદરાથી દક્ષિણ ગુજરાતના વન પટ્ટા તરફ જવાતુ અને અવિભાજીત વડોદરા જિલ્લાની પૂર્વપટ્ટી અને છોટાઉદેપુર વિસ્તાર વનોથી ભરપૂર હતો. છોટાઉદેપુરના નવા જિલ્લાની રચના પછી વડોદરા લગભગ વન વિસ્તારથી વંચિત છે. વડોદરાને વૃક્ષોથી હર્યો ભર્યો રાખવાનો એક ઉપાય ખેડૂતોને વૃક્ષખેતી માટે પ્રોત્સાહિત કરવાનો છે.
૫૦ હજાર જેટલા મધર પ્લાન્ટસનો થઈ રહ્યો છે ઉછેર
આ બાબતને ધ્યાનમાં રાખીને સામાજિક વનીકરણ વિભાગ વડોદરા દ્વારા મલાબાર લીમડો, ટર્બો નીલગીરી જેવી ઉન્નત કિસ્મોના રોપાઓના સમતુલિત વાતાવરણમાં વિકાસ માટે વડોદરા જિલ્લામાં નિમેટા ખાતે એક હાઇટેક નર્સરીની સ્થાપના કરી છે. સાદી નર્સરીમાં ઉછરેલા રોપાના વાવેતરને બદલે કલોનલ રોપાના વાવેતરથી લાકડુ વધુ ગુણવત્તાવાળું મળે છે. છોડની ટકવાની ક્ષમતા વધે છે અને ઉછેર ઝડપી બને છે જે વૃક્ષ ખેતીને વધુ વળતરયુક્ત બનાવે છે.
આમ નજીવી કિંમતે ખેડૂતોને કલોનલ રોપા ઉપલબ્ધ કરાવીને વૃક્ષ ખેતીને વધુ વળતરયુક્ત બનાવવાનો અભિગમ રાખવામાં આવ્યો છે. આ કલોનલ રોપા કુદરતી તત્વોમાંથી બનાવેલી કૃત્રિમ માટીમાં ઉછેરવામાં આવે છે. હાઇટેક નર્સરીમાં પોલીહાઉસ, ગ્રીનહાઉસ અને નેટહાઉસના ત્રણ એકમોમાં તબક્કાવાર રોપાઓને ઉછેર કરવામાં આવે છે એવી જાણકારી આપતાં કાર્યકારી નાયબ વન સંરક્ષક વિનોદ ડામોરે જણાવ્યું કે, આ પૈકી નિમેટા હાઇટેક નર્સરીના પોલીહાઉસમાં અંદાજે ૫૦ હજાર જેટલા મધર પ્લાન્ટસ ઉછેરવામાં આવ્યા છે.
૫૦ હજાર જેટલા મધર પ્લાન્ટસનો થઈ રહ્યો છે ઉછેર અહીં એ જાણવું જરૂરી છે કે, ક્લોન એટલે પસંદગીના ઉત્તમ વૃક્ષોમાંથી પ્રયોગશાળાઓમાં કોષના માધ્યમથી સંવર્ધિત કરાતો મૂળ રોપ છે. મૂળ વૃક્ષ જેવા જ ઉત્તમ ગુણો ધરાવે છે. હાલમાં નિમેટાની આ નર્સરીમાં નિલગીરીની ટર્બો વરાયટીના મધર પ્લાન્ટસ ઉછેરવામાં આવ્યા છે. આ નર્સરીમાં નિલગીરી, મલાબાર લીમડો જેવી ક્લોનલ વરાયટીના હાઇટેક નર્સરીમાં ઉછેરથી વૃક્ષ વૃદ્ધિ ઝડપી થાય છે.
પુખ્ત અને નિરોગી, વળાંક વગરના સીધા સોટા જેવા વૃક્ષ ઉછેરથી મુખ્યત્વે સારી ગુણવત્તાવાળુ અને વધુ ઇમારતી લાકડું મળે છે. સામાજિક વનીકરણ વિભાગ વડોદરા દ્વારા ક્લોનલ વરાયટીઝના ઉછેર માટે હાઇટેક નર્સરી બનાવીને ખેડૂતોએ ઉત્તમ કામ કર્યું છે.