ઉપરવાસમાં વરસી રહેલા ભારે વરસાદને પગલે નર્મદા નદી, મહી નદી અને દેવ ડેમમાંથી હાલમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. તેને અનુલક્ષીને વડોદરા જિલ્લા પ્રશાસને સંબંધિત નદીઓના કાંઠા વિસ્તારના ગામોના લોકોને સાવચેત અને સતર્ક રહેવા સૂચના આપી છે. સંબંધિત તાલુકા તંત્રો અને વિભાગોને પણ તકેદાર કરવામાં આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા પણ અગાઉ ભારે વરસાદની શક્યતા દર્શાવામાં આવી છે.
ભારે વરસાદની આગાહી વચ્ચે ઉપરવાસમાં પાણી વધતા કાંઠા વિસ્તારોને એલર્ટ કરાયા
વડોદરા: ભારે વરસાદની આગાહી અને નર્મદા તેમજ મહિ નદીમાં છોડવામાં આવી રહેલા પાણીને અનુલક્ષીને લોકોને સાવધાન રહેવા સૂચના તંત્ર દ્વારા આપવામાં આવી છે. વડોદરા વિશ્વામિત્રી નદીનું જળસ્તર કાલાઘોડા ખાતે વધવાની સંભાવના પણ જાહેર કરવામાં આવી છે.
વડોદરા, આજવા અને પ્રતાપ પુરા સરોવરના સ્ત્રાવ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. આજવા સરોવરની સપાટી વધીને 212.10 ફૂટ અને પ્રતાપ પુરાની સપાટી વધીને 229.60 ફૂટ થવાથી વિશ્વામિત્રી નદીમાં 5100 ક્યુસેક પાણી ઠાલવી રહ્યું છે. જેના પગલે કાલાઘોડા ખાતે નદીની હાલની 9 ફુટની સપાટી વધીને 14 થી 15 ફૂટ થવાની શક્યતા છે. જેથી નદી કિનારે વસતા લોકોને સાવચેત રેહવા અને નદીના પટમાંના જવા તાકીદ કરવામાં આવી છે.
આજવા સરોવરની સપાટી 211.95 ફૂટ, પ્રતાપપુરાની સપાટી 229.10 ફૂટ અને કાલા ઘોડા ખાતે વિશ્વામિત્રી નદીની સપાટી 9 ફૂટ જેટલી હતી. આજવામાં સપાટી 212 ફૂટ થાય ત્યારે વિશ્વામિત્રીમાં પાણી આપોઆપ ઠલવાય છે. શહેર-જિલ્લામાં વરસાદી વાતાવરણ છે. જેને અનુલક્ષીને નીચાણવાળા અને કાંઠા વિસ્તારના લોકોને સાવચેતી રાખવા જણાવામાં આવ્યું છે.