વડોદરા: આજે રાજ્યભરમાં યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર વડોદરાથી લીક થયું હતું. જે બાદ પરીક્ષા મોકુફ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાત એટીએસ વડોદરામાંથી એક્ઝામ સેન્ટરના સંચાલકો સહિત 15 જેટલા લોકોની અટકાયત દ્વારા કરવામાં આવી છે.
અપ્સરા હોટલમાં રોકાયા આરોપીઓ:આ પરીક્ષાનું પેપર લીક કરવા મામલે સંડોવાયેલા આરોપીઓ પૈકી 2 શખ્સ વડોદરાની અપ્સરા હોટલમાં રોકાયા હતા. આ હોટલમાં ગતરાત્રે જ તેઓએ રૂમ બુક કરાવ્યો હતો. રૂમ બુક કરાવ્યાના સાડા ત્રણ કલાકમાં જ પોલીસે તેમની અટકાયત કરીને હોટલ પર પુછપરછ માટે લાવવામાં આવ્યા હતા. વડોદરાના અટલાદરા બીલ રોડ પર આવેલા ક્લાસીસ પર મોડી રાત્રે ATSની ટીમ ત્રાટકી હતી. જેના CCTV ફૂટેજ સામે આવ્યા છે.
15 જેટલા લોકોની અટકાયત:આ વખતે પેપરલીક કાંડનું એપીસેન્ટર વડોદરા બન્યું છે. વડોદરામાંથી એક્ઝામ સેન્ટરના સંચાલકો સહિત 15 જેટલા લોકોની અટકાયત ગુજરાત એટીએસ દ્વારા કરવામાં આવી છે. વડોદરાના અટલાદરા બીલ રોડ પર આવેલા સ્ટેકવાઈઝ ટેક્નોલોજી કોચિંગ ક્લાસીસને સીલ કરાવામાં આવ્યું છે. સ્ટેકવાઈઝ ટેક્નોલોજી કોચિંગ ક્લાસ પર પોલીસનો બંદોબસ્ત મુકાયો છે. સ્ટેકવાઈઝ ટેક્નોલોજી કોચિંગ ક્લાસીસમાંથી ઝડપેલા એક આરોપી પાસેથી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર મળી આવ્યું હતું.
કોચિંગ ક્લાસના સંચાલકની સંડોવણી:આંતરરાજ્ય ગેંગ દ્વારા પેપરલીક કરવામાં આવ્યું છે. ઝડપાયેલા આરોપીઓ વિવિધ રાજ્યોના હોવાનું સામે આવ્યું છે. ઝડપાયેલા આરોપીમાં મુખ્ય સૂત્રધાર શેખર અને પ્રદીપ નાયક છે. પેપરલીકમાં કેતન બારોટ અને ભાસ્કર ચૌધરીનું પણ નામ સામે આવ્યું છે. પેપરલીક મામલે વડોદરાના સ્ટેકવાઈઝ ટેક્નોલોજી કોચિંગ ક્લાસના સંચાલક ભાસ્કર ચૌધરીની સંડોવણી સામે આવી છે. ATS દ્વારા ધરપકડ કરાયેલા શખ્સોના CCTV આવ્યા સામે છે. એટીએસ દ્વારા સ્ટેકવાઈઝ ટેક્નોલોજી કોચિંગ ક્લાસના સંચાલક ભાસ્કર ચૌધરી સહિત 15 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. કોચિંગ સેન્ટર પરથી અનેક જૂના પ્રશ્નપત્રો પણ મળી આવ્યા હતા.