વડોદરા: કોરોના કાળમાં લોકડાઉનથી બંધ તમામ બાગ બગીચા સહિત વિવિધ ઉદ્યાનો શરૂ થયા છે. જેથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
કોરોના વાઇરસના કારણે લોકડાઉનમાં ગત માર્ચ મહિનાથી વડોદરા શહેરના કમાટીબાગ સહિતના અન્ય બાગો બંધ કરવામાં આવ્યા હતા. જો કે, કોરોનાનું સંક્રમણ ના ફેલાય તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો હતો. સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી જ વડોદરા મહાનગરપાલિકા દ્વારા બાગ બગીચા ખોલવાની તજવીજ હાથ ધરાઇ હતી.
વડોદરામાં બાગ બગીચા ફરી શરૂ થયા વડોદરા મહાનગરપાલિકાએ ઘાસ સહિતનો કચરો અને ઝાડી-ઝાંખરાની સફાઇ તેમજ ટ્રી-ટ્રિમિંગ અને સેનેટાઇઝિંગની કામગીરી પૂર્ણ થતા ગુરુવારથી બાગ બગીચા શરૂ થતા વહેલી સવારે મોર્નિંગ વોકર્સોએ ઉત્સાહથી મોર્નિંગ વોક અને ખુલ્લી હવાનો લાભ લીધો હતો. બાગ બગીચા ખુલ્યા છે પરંતુ, તે સાથે બાગમાં પ્રવેશ કરનારાઓ માટે સરકારી ગાઇડલાઇન મુજબ માસ્ક, સોશ્યલ ડિસ્ટન્ટ જેવા નિયમનું પાલન કરવું ફરજિયાત છે. ગુરુવારે સવારે 6 થી 10 અને સાંજે 4 થી 8 વાગ્યા સુધી ઉદ્યાનો ખુલતા વોક કરવા આવનારા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
કેટલાક બાગોમાં મોર્નિંગ વોકર્સે ફટાકડા ફોડી મીઠું મોઢું કરાવી ઉજવણી કરી હતી. જો કે, કોરોના મહામારીનો કહેર યથાવત હોવાને કારણે 10 વર્ષથી નાના બાળકો અને વૃદ્ધો માટે બાગ બગીચાઓમાં સુરક્ષાના કારણોસર બાગ બગીચામાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. બાગ બગીચા ખુલતા મોર્નિંગ વોકર્સ તેમજ સિનિયર સિટીજનોએ વોક, યોગા, પ્રાણાયામ સહિત કસરતો કરી આનંદ વ્યક્ત કર્યો હતો.