- મોટા ફોફડીયા ગામમાં કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું
- દર્દીઓને આપાવામાં આવે છે તમામ સુવિધા
- ગામમાં કરવામાં આવે છે ઉકાળાનું વિતરણ
વડોદરા : જિલ્લાના શિનોર તાલુકાના મોટા ફોફળીયા ગામે શક્તિકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ,જિલ્લા હેલ્થ સોસાયટી અને જિલ્લા પ્રસાશનના સહયોગથી 100 પથારીનું કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આ કેર સેન્ટરમાં દર્દીઓને દવા,ચા, નાસ્તો તેમજ ભોજન વિના મૂલ્યે આપવામાં આવે છે એટલું જ નહિ તબીબો દ્વારા દર્દીઓની ઉચિત કાળજી લેવા સાથે સારવાર પણ આપવામાં આવે છે.
કોવિડ સેન્ટરમાં 200 બેડ સુધી વધારી શકાશે
શક્તિકૃપા ચેરીટેબલ ટ્રસ્ટના સંચાલક શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું કે જિલ્લા પ્રસાશન, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શિનોરના સહયોગથી ટ્રસ્ટની શાળાના હોસ્ટેલ બિલ્ડિંગમાં 100 બેડનું કોવિડ આઈસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.જેની ક્ષમતા 200 બેડ સુધી વધારી શકાય તેમ છે. શિનોર તાલુકાના ગામડાઓમાં કોરોના પોઝિટિવ દર્દીઓને ઘરે આઇસોલેશનની વ્યવસ્થા ન હોય એવા દર્દીઓને અહી દાખલ કરી સારવાર આપવામાં આવે છે.
મારૂ ગામ કોરોના મુક્ત: વડોદરાનું મોટા ફોફડીયા ગામમાં કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું આ પણ વાંચો :વડોદરા કરજણ તાલુકાનું ઉરદ ગામ કોરોના મુક્ત ગામ
દર્દીઓ માટે તમામ સુવિધા
તેમણે ઉમેર્યું કે દર્દીઓને અન્ય સ્થળે રિફર કરવા માટે 108 ઈમરજન્સી સેવા પર આધાર રાખવો પડતો હતો. જેને કારણે દર્દીઓને અન્ય દવાખાનામાં લઈ જવામાં વિલંબ થતો હતો.આ સમસ્યા અંગે અમારા અમેરિકા સ્થિત દાતા શ્રી કિરણભાઈ પટેલને વાત કરી તો તેમણે તાત્કાલિક રૂપિયા 8 લાખના ખર્ચે એમ્બ્યુલન્સ વાનની મદદ કરી હતી દર્દીઓની સુવિધામાં વધારો થયો છે. તેમણે જણાવ્યું કે સેન્ટરમાં દાખલ થતાં દર્દીઓને દવા,રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે.સેન્ટરમાં શિનોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના બે તબીબો, પેરમેડિકલ સ્ટાફ દ્વારા દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.
ગામમાં ઉકાળાનું વિતરણ
નોડલ અધિકારી ડો.જીગ્નેશ વસાવાએ જણાવ્યું કે આ કેર સેન્ટરમાં અત્યાર સુધી 294 દર્દીઓ દાખલ થયા હતા. હાલમાં 85 દર્દીઓ કોરોનાની સારવાર મેળવી રહ્યા છે. જ્યારે 185 દર્દીઓ સાજા થઈને ઘરે પહોંચ્યા છે. 34 દર્દીઓને વધુ સારવાર માટે અન્ય દવાખાનામાં રિફર કરવામાં આવ્યા છે, તેમણે ઉમેર્યું કે કેર સેન્ટરમાં કોરોનાના માઈલ્ડ અને એશિમટોમેટીક લક્ષણો ધરાવતા દર્દીઓને દાખલ કરવામાં આવે છે.અહી દવાનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. આર્યુવેદિક દવાખાનાના વૈદ્ય કૈલાશ વસાવા કહે છે કે કોવિડ કેર સેન્ટરમાં દાખલ દર્દીઓને આર્યુવેદ ઉકાળા,દવાઓ પુરી પાડવા સાથે આસપાસના ગામડાઓમાં ઉકાળાનું વિતરણ કરવામાં આવે છે. સરકાર અને સેવાભાવી સંસ્થાઓ સાથે મળી કામ કરે તો તેનું કેવું ઉત્તમ પરિણામ મળે છે તેનું પ્રેરક ઉદાહરણ મોટો ફોફળિયા ગામે પૂરું પાડ્યું છે.