- ઉત્તરાયણ પર્વને લઈ પતંગ દોરાથી ઘવાયેલા પક્ષીઓની સારવાર અર્થે વનવિભાગ થયું સજ્જ
- પક્ષીઓના જીવ બચાવવા હેલ્પલાઈન નંબરની જાહેરાત કરી
- શહેરના જુદા-જુદા સ્થળોએ ઘવાયેલા પક્ષીઓ માટે સારવાર કેમ્પ યોજાશે
વડોદરાઃ આગામી ઉત્તરાયણ પર્વને ખાસ ધ્યાને લઈ પતંગ દોરાથી ઘવાતા પક્ષીઓ માટે વનવિભાગ દ્વારા 24 કલાક સારવાર હેલ્પલાઈન નંબરની જાહેરાત કરી છે. આ સાથે જ ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે શહેરમાં 50 જેટલા સારવાર કેમ્પ પણ યોજાશે.
સાંજે અને સવારે પક્ષીઓના જવા આવવાના સમયે પતંગ નહીં ચગાવા અપીલ
ઉત્તરાયણ પર્વને માંડ હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે પતંગ અને ઘાતક દોરાથી મૂંગા પક્ષીઓના જીવ ઉપર જોખમ ઉભું થયું છે. પક્ષીઓના જીવ બચાવવા માટે વડોદરા વનવિભાગે 24 કલાક હેલ્પલાઈન નંબર શરૂ કર્યો છે. આ સાથે સાથે ખાનગી સંસ્થાઓના સહયોગથી ઘવાયેલા પક્ષીઓ માટે 50 સારવાર કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
વડોદરા ઉતરાયણને લઈને ઘવાયેલા પક્ષીઓ માટે વન વિભાગ સજ્જ બર્ડફ્લુના વકરેલા રોગને લઈ કોઈ મૃત પક્ષી જણાઈ આવેતો નહીં પકડવા અનુરોધ
વડોદરા વનવિભાગના આરએફઓ નિધિ દવેએ નગરજનોને અપીલ કરી છે કે, જ્યાં પણ ઘવાયેલા પક્ષીઓ દેખાઈ તો તત્કાલ હેલ્પલાઈન નંબર ઉપર સંપર્ક કરવો તેમજ વહેલી સવારે અને સાંજે જ્યારે પક્ષીઓની અવરજવર કરવાનો સમય છે તે દરમિયાન પતંગ નહીં ચગાવવા અપીલ કરી હતી. જ્યારે હાલ દેશમાં બર્ડ ફલૂનો રોગ વકર્યો છે. જેને અનુલક્ષીને જો કોઈ પક્ષીઓ મૃત હાલતમાં જણાઈ આવે તો તેને પકડવાનો પ્રયાસ નહીં કરવો અને તત્કાલ વનવિભાગ અને પશુ ચિકિત્સાલયને જાણ કરવી. ડોમેસ્ટિક પક્ષીઓ હશે તો પશુ ચિકિત્સાલય અને વન્યપક્ષી હશે તો વનવિભાગ મદદરૂપ થશે. આ સાથે સાથે આરએફઓ નિધિ દવેએ ઉત્તરાયણ પર્વ પક્ષીઓને બચાવવા માટે ઉજવીએ અને ઉત્તરાયણની ઉજવણી પક્ષીઓ માટે હાનિકારક ન બને તેનું ધ્યાન રાખવા અનુરોધ કર્યો હતો.