ડભોઈ:ડભોઈ તાલુકાનાં કરાલી ગામમાં 2020 માં બનેલી ઘટનામાં મહિલાને કેરોસીન છાંટીને જીવતી સળગાવી દેવામાં આવી હતી. આ કેસમાં સેશન્સ કોર્ટે વિગતે સુનાવણી કરી બનાવમાં સામેલ પાંચ દોષિતોને આજીવન કેદની સજા ફટકારાઈ છે. કોર્ટે તમામ દોષિતોને વડોદરાની મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. બનાવની ગંભીરતાને ધ્યાને લઈ કોર્ટે તમામ પાંચ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી સમાજમાં દાખલો બેસે તેવી કાર્યવાહી કરી છે.
બે વર્ષ બાદ કેસનો ચુકાદો:સેશન્સ કોર્ટનાં જજ એસ.સી.વાઘેલા સાહેબની કોર્ટેમાં છેલ્લા બે વર્ષથી ચાલી રહેલ આ કેસમાં સામેલ પાંચ આરોપીઓ (1) રાજુભાઈ પરષોત્તમભાઇ વસાવા (2) વિશાલભાઈ અરવિંદભાઈ વસાવા (3) પરષોત્તમભાઇ ત્રિકમભાઈ વસાવા (4) ઉષાબેન પરષોત્તમભાઇ વસાવા (5) શારદાબેન ત્રિકમભાઈ વસાવા આ તમામને દોષિત જાહેર કરી આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
સરકારી વકીલની ધારદાર રજૂઆત:ડભોઈના સરકારી વકીલ એચ.બી. ચૌહાણે આ ઘટના અંગે જાણવ્યું હતું કે, ડભોઈ તાલુકાના કરાલીપુરા ગામે વર્ષ 2020 માં પ્રવીણભાઈ પાટણવાડીયા અને તેમાં પત્ની સહીત ઘરના અન્ય સભ્યો ઘરે હાજર હતા. તે સમયે પરસોતમ ત્રિકમભાઇ વસાવા અને તેમના ઘરના અન્ય ચાર ઈસમો પ્રવીણભાઈના ઘરે જઈ તેમની સાથે બોલાચાલી કરી હતી. આ બોલાચાલી દોઢ વર્ષ અગાઉ થયેલી ફરિયાદમાં સમાધાન કરી તે ફરિયાદ પાછી ખેંચવા દબાણ કરવા બાબતે થઈ હતી.
આરોપીઓને આજીવન કેદની સજા:આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને બનાવમાં સામેલ ઈસમોએ તેમના ઘરનો દરવાજો તોડી ઘરમાં ઘૂસી જઈ પ્રવીણભાઈના પત્ની હંસાબેનને પકડી રાખી તેના ઉપર કેરોસીન છાંટી હંસાબેનને સળગાવી દીધા હતા. આ કેસમાં થયેલી કોર્ટ કાર્યવાહીમાં 18 જેટલાં સાહેદોને તપાસમાં આવ્યાં હતાં અને 35થી વધુ દસ્તાવેજો તપાસવામાં આવ્યાં હતાં. બનાવની ગંભીરતાને ધ્યાને લઈ કોર્ટે તમામ પાંચ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી સમાજમાં દાખલો બેસે તેવી કાર્યવાહી કરી છે.