વડોદરા: સમગ્ર વિશ્વમાં નોવેલ કોરોનાની મહામારી સર્જાઇ છે. વડોદરામાં પણ કોરોનાના નવ પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યારે,આ બધાની વચ્ચે એક સારા સમાચાર એ છે કે, વડોદરામાં કોરોનાથી પીડિત પ્રથમ દર્દી આજે ડિસ્ચાર્જ થતાં જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે વિડીયો કોલના માધ્યમથી તે દર્દીના ખબરઅંતર પૂછી જિલ્લા પ્રશાસન વતી શુભકામનાઓ પાઠવી હતી.
વડોદરા: કોરોનાથી અસરગ્રસ્ત પ્રથમ દર્દીને ડિસ્ચાર્જ કરાયો, કલેક્ટર સાથે વીડિયો કોલ પર કરી વાત - વડોદરામાં કોરોના
વડોદરા શહેરમાં કોરોના વાઈરસથી સંપૂર્ણ સાજા થયેલા પ્રથમ દર્દીને રજા આપવામાં આવી છે. કોરોના વાઈરસથી મુક્ત થયેલા પ્રથમ દર્દીને સયાજી હોસ્પિટલમાંથી શુભકામનાઓ સાથે વિદાય આપવામાં આવી હતી. જયારે જીલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે વીડિયો કૉલના માધ્યમથી તે દર્દીના ખબર અંતર પૂછી જિલ્લા પ્રશાસન વતી શુભકામનાઓ પાઠવી હતી.
કલેકટર શાલિની અગ્રવાલે દર્દીને તમારી તબિયત કેમ છે?તેમ પૂછતાં તેના પ્રત્યુત્તરમાં કોરોનાની મહામારીમાંથી બહાર આવેલા દર્દીએ જણાવ્યું કે, 'મેડમ હવે મને કોઇ તકલીફ નથી. 25 જેટલા ડૉકટર્સની ટીમે દિવસ-રાત મહેનત કરીને મને ખરેખર નવજીવન બક્ષ્યું છે. તે બદલ હું રાજય સરકાર, જિલ્લા પ્રશાસન અને ડૉકટર્સની ટીમને તહેદિલથી ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું.'
દર્દીએ તેમનો અનુભવ વ્યકત કરતા કહ્યું કે, 'મને કોરોના થતા શરૂઆતમાં ખૂબ જ ડર લાગતો હતો. પરંતુ સર સયાજીરાવ ગાયકવાડ હોસ્પિટલ વડોદરાના ડૉકટર્સની ટીમ દ્વારા મને અદ્દભૂત ટ્રીટમેન્ટ પૂરી પાડવામાં આવી હતી. તે ખરેખર કાબેલિદાદ હતી.' કલેકટર શાલિની અગ્રવાલે જણાવ્યું કે, જિલ્લા પ્રશાસન દ્વારા આપની સંપૂર્ણ કાળજી લેવા સાથે ડૉકટર્સની ટીમ, કાઉન્સીલર, સાયકોલોજીસ્ટ સતત આપના સંપર્કમાં રહેશે. ઘરે જઇને સાવધાની રાખવા પણ તેમણે જણાવ્યું હતુ.