વડોદરાઃ જિલ્લાના પાદરાના ચોકારી ગામ પાસે ગેલ કંપની દ્વારા મહીસાગર નદીમાં પાઈપ પ્રોજેકટ નાંખતા 128 ખેડૂતોની જમીનોને મોટું નુકસાન થયું છે. તેના વળતરની માંગ સાથે 128 જેટલા ખેડૂતો ઘણા વર્ષોથી લડી રહ્યા છે. જેની એક કરોડ ઉપરાંતની વળતરની રકમ ચૂકવવા માટે કલેક્ટર દ્વારા કંપનીને આદેશ પણ કરવામાં આવ્યો છે. તેમ છતા પણ કોઈ કારણોસર કંપની દ્વારા ખેડૂતોને વળતર નહીં ચૂકવાતાં ખેડૂતોમાં ભારે રોષ ભભૂકયો છે.
પાદરા ગેલ કંપની દ્વારા નુકસાનીનું વળતર નહીં ચૂકવતા ખેડૂતોમાં રોષ, કંપની બહાર ધરણા યોજ્યા - ધારાસભ્ય જસપાલસિંહ પઢીયાર
પાદરમાં ગેઈલ ઈન્ડિયા કંપની દ્વારા ખેડૂતોને નુકસાનીનું વળતર ચૂકવવામાં નહીં આવતા ખેડૂતો રોષે ભરાયા હતા અને નુકસાનના વળતરની માંગણી સાથે ખેડૂતોએ ગેઈલ કંપની બહાર ધરણા કરી હોબાળો મચાવ્યો હતો.
જેના ભાગરૂપે 100થી વધુ ખેડૂતો ભેગા થઈ ગેલ ઇન્ડિયા સ્ટેશનના પોઈન્ટને તાળાબંધી કરવાની પૂર્ણ તૈયારી સાથે પહોંચી ગયા હતા. જો કે, વડુ પોલીસે ખેડૂતોને તાળાબંધી કરતા અટકાવ્યા હતા. જેને લઈ ખેડૂતો ગેઈલ કંપનીના ગેટ સામે ધરણા પર બેસી ગયા હતા અને કંપનીના અધિકારીને સ્થળ પર બોલાવી ચર્ચા કરવાની તેમજ વળતર અંગે લેખિતમાં બાંહેધરી આપવાની પણ માંગ કરી હતી. સમગ્ર ઘટનાના પગલે પાદરાના ધારાસભ્ય જસપાલસિંહ પઢીયાર પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ખેડૂતો સાથે વાતચીત કરી હતી અને કંપનીના અધિકારીઓ સાથે પણ ટેલીફેનીક વાત કરી હતી અને કોયડો ઉકેલ્યો હતો.
અંતે ધારાસભ્ય અને ખેડૂતના કેટલાક આગેવાનો મળી આગામી મંગળવારે ગેલ કંપનીના અધિકારીઓ સાથે મીટિંગ યોજી વળતર અંગે નિરાકરણ લાવવાની વાત કરતા ખેડૂતોએ ધરણા સમેટી લીધા હતા. જો કે, ખેડૂત આગેવાન અર્જુનસિંહે ચીમકી ઉચ્ચારી છે કે જો ગેલ ઈન્ડિયાના અધિકારીઓ વળતરના નાણા નહીં ચૂકવે તો ગેઈલ ઇન્ડિયા સામે આંદોલન કરવામાં આવશે.