- દિલ્હીની સરહદે સતત 19માં દિને પણ ખેડૂતોનું આંદોલન યથાવત
- નજરકેદ કરાયેલા વડોદરાના ખેડૂત અગ્રણીની કરજણના ખેડૂતોએ મુલાકાત લીધી
- કહ્યું-અંગ્રેજો કરતાં પણ હાલની સરકાર ખેડૂતો પર વધુ દમન ગુજારી રહી છે
વડોદરાઃ દિલ્હીની સરહદ પર કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે. જ્યારે ગુજરાતમાંથી પણ ખેડૂતોએ આંદોલનમાં જોડાવા દિલ્હી કૂચ કરી હતી. વડોદરાના ખેડૂત આગેવાન અને ગુજરાત ખેડૂત સમાજના મહામંત્રીને નજરકેદ કરવામાં આવ્યાં હતાં. જેથી આજરોજ કરજણ તાલુકાના ખેડૂત અગ્રણીઓ વડોદરા ખાતે આવી પહોંચ્યાં હતાં અને તેમની મુલાકાત લીધી હતી.
- દિલ્હી નહીં જઈ શકીએ તો ઘરે રહીને આંદોલનને ટેકો આપીશું
કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા 19 દિવસથી દિલ્હીની વિવિધ સરહદે વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂત સંગઠનો દ્વારા સોમવારે નવ કલાક માટે ભૂખ હડતાળ પાડવામાં આવી હતી. 40 જેટલા ખેડૂત સંગઠનો દ્વારા દિલ્હીની વિવિધ સરહદે ધરણા કરીને હડતાળ પાડવામાં આવી હતી. તેમને સમર્થન આપી રહેલા અન્ય ખેડૂત સંગઠનો દ્વારા પોતાનાં રાજ્યોમાં જિલ્લાસ્તરે ધરણા કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત દિલ્હી તરફ કૂચ કરતાં કેટલાકને તો અટકાયતની સાથે-સાથે નજરકેદ કરવામાં આવ્યા હતાં.
- વડોદરા જિલ્લાના ખેડૂત અગ્રણીઓ ગામડેગામડે ફરી યુવાનોને ખેડૂત વિરોધી કૃષિકાયદા વિશે માહિતી આપશે
વડોદરાના ખેડૂત સમાજના અગ્રણી અને ગુજરાત ખેડૂત સમાજના મહામંત્રી વિપીન પટેલને પણ ખેડૂત આંદોલનમાં જોડાવા જાય તે પહેલાં જ માંજલપુર તેમના નિવાસસ્થાને નજરકેદ કરવામાં આવ્યાં હતાં. જેને લઇને વિપીન પટેલે સરકાર સામે તીખા શબ્દ પ્રહારો કર્યા હતાં. જ્યારે આજરોજ ખેડૂત આગેવાન વિપીન પટેલને નજરકેદ કરાયા હોવાની વાતને લઇ કરજણ તાલુકાના ખેડૂત આગેવાનો વડોદરા ખાતે આવી ગુજરાત ખેડૂત સમાજ મહામંત્રી અને વડોદરા જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ વિપીનચંદ્ર પટેલની મુલાકાત લીધી હતી. આ અંગે કરજણ તાલુકાના ખેડૂત સમાજના પ્રમુખ કેસરીસિંહ રાજે જણાવ્યું હતું કે, ખેડૂત આગેવાન બિપીન પટેલને કે જેઓ દિલ્હી ખેડૂત આંદોલનમાં જતા પોલીસે તેમને અટકાવી નજરકેદ કરવામાં આવ્યા છે. જેને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છે અને સરકારને પણ જાણ કરીએ છીએ કે આ રીતે ખોટું દમન ન થાય. તમે તો અંગ્રેજો કરતાં પણ વધારે દમન ગુજારી રહ્યાં છો. અમે ખેડૂતો મોટી સંખ્યામાં જોડાવાના હતાં પણ હાલ કોરોનાના હિસાબે અને પોલીસની બીકે અમે આવી શકતાં નથી, પણ એક પ્રતિનિધિ તરીકે અમે આવ્યાં છીએ. ભલે દિલ્હી નહીં જઈએ પણ ગામડે ગામડે જઇ યુવાનોને આ કૃષિ બિલની સમજ આપીશું અને જો અમારી માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ઘર બેઠા પણ આંદોલનને ટેકો આપીશું. પીછે હઠ નહીં કરીએ તેમ જણાવ્યું હતું.