- ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમી રહેલા સટ્ટોડિયાની પોલીસે ધરપકડ કરી
- નકલી માર્કશીટનું ચોંકાવનારૂ કૌભાંડ બહાર આવ્યું
- પીસીબીએ 2 ભેજાબજોની ધરપકડ કરી
વડોદરા : શેહરના સયાજીગંજ વિસ્તારમાં ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમી રહેલા સટ્ટોડિયાની પોલીસે ધરપકડ કરી હતી. જેના મોબાઇલની પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા મહારાષ્ટ્ર અને રાજસ્થાનની નકલી માર્કશીટનું ચોંકાવનારૂ કૌભાંડ બહાર આવતાં પોલીસ ચોંકી ઉઠી હતી.
વડોદરામાં ક્રિકેટ સટ્ટોડિયાના ફોનમાંથી થયો નકલી માર્કશીટ ચોરવાના કૌભાંડનો પર્દાફાશ મોબાઈલમાંથી મળ્યાં મહારાષ્ટ્ર બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની માર્કશીટના ફોટા
વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં ઓનલાઇન ક્રિકેટનો સટ્ટો રમતા આદિલ મજરભાઈ ચીનવાલાની મોગલવાડાની પીસીબી પોલીસે 25 ઓકટોબરના રોજ ધરપકડ કરી હતી. સટ્ટો રમતા ઝડપાયેલા આદિલના મોબાઇલની પોલીસે તપાસ કરતાં મહારાષ્ટ્ર બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની માર્કશીટના ફોટા મળી આવ્યાં હતા. જેથી પોલીસે આદિલની આ મામલે કડકાઇથી પૂછપરછ કરતા ડુપ્લિકેટ માર્કશીટ બનાવવાનું કૌભાંડ બહાર આવ્યું હતું. પોલીસ તપાસ દરમિયાન આદિલ ચીનવાલાના મોબાઇલમાંથી મહારાષ્ટ્ર બોર્ડ ઓફ હાયર સેકન્ડરી એજ્યુકેશન ની ધો-12ની માર્કશીટ તેમજ સર્ટિફિકેટના ફોટા મળી આવ્યા હતા.
બોગસ માર્કશીટ/બોગસ માઈગ્રેશન સર્ટિફિકેટ/યાંત્રિક સાધનો કર્યા કબ્જે
આદિલની આ અંગે પૂછપરછ કરતા મિત્ર નોયલ ઉર્ફે નેવલ સરજુભાઈ પરેરાએ મોકલ્યા હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે આદિલને સાથે રાખી નોયલ ઉર્ફે નેવલના ઘરે દરોડા પાડી તપાસ કરતાં ઘરમાંથી મહારાષ્ટ્ર બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની લેમિનેશન કરેલી ત્રણ માર્કશીટ મળી આવી હતી. પોલીસે આ અંગે નોયલ ઉર્ફે નેવલની પૂછપરછ કરતા મિત્ર જીગર રમેશભાઈ ગોગરાએ માર્કશિટ અને સર્ટીફિકેટ બનાવી આપ્યા હોવાની કબૂલાત કરી હતી. ત્યારબાદ પોલીસે માર્કશીટની ખરાઇ અર્થે ઈમેલ મારફતે પૂણે મહારાષ્ટ્ર બોર્ડ ઓફ હાયર સેકન્ડરી એજ્યુકેશનને મોકલી હતી. મહારાષ્ટ્ર બોર્ડ થી જાણ કરવામાં આવી હતી કે, માર્કશીટ તથા સહી-સિક્કા ખોટા અને બનાવટી છે. જેથી ગોત્રી પોલીસે મહારાષ્ટ્ર બોર્ડની ડુપ્લિકેટ માર્કશીટ બનાવવા અને રાખવા મામલે નોયલ ઉર્ફે નેવલ પરેરા અને જીગર ગોગરાની ધરપકડ કરીને બોગસ માર્કશીટ, બોગસ માઈગ્રેશન સર્ટિફિકેટ યાંત્રિક સાધનો કબ્જે કર્યા હતા અને આગળની તપાસ શરૂ કરી હતી.