ગુજરાત

gujarat

ETV Bharat / state

Arvind Ghosh : વડોદરામાં મહર્ષિ અરવિંદ ઘોષના સંગ્રહ અને આશ્રમની હયાતી, સ્વતંત્રતા પર્વ નિમિતે ETV BHARATનો ખાસ અહેવાલ

આજે 15મી ઓગસ્ટ એટલે સ્વતંત્ર પર્વ છે. ઉપરાંત આઝાદી માટે મહત્વનું યોગદાન આપનાર અને વડોદરા સાથે જેઓનો નાતો છે તેવા મહર્ષિ અરવિંદ ઘોષનો પણ આજે જન્મદિવસ છે. આજે પણ વડોદરામાં મહર્ષિ અરવિંદ સાથે સંકળાયેલ આશ્રમ અને તેઓના જીવન અંગેની વિવિત રસપ્રદ વાતોનો સંગ્રહ જોવા મળી રહ્યો છે. ત્યારે મહર્ષિ અરવિંદ ઘોષના જીવન અને સંઘર્ષ સાથે સંકળાયેલ વડોદરાની જાણી અજાણી વાતો ETV BHARAT ના આ ખાસ અહેવાલમાં...

Arvind Ghosh
Arvind Ghosh

By

Published : Aug 15, 2023, 6:06 AM IST

વડોદરામાં મહર્ષિ અરવિંદ ઘોષના સંગ્રહ અને આશ્રમની હયાતી

વડોદરા : અરવિંદ ઘોષનો જન્મ કલકત્તામાં 15 ઓગસ્ટ 1872 ના રોજ થયો હતો. 1879માં સાત વર્ષની ઉંમરે પોતાના બે મોટા ભાઈઓ સાથે અભ્યાસ અર્થે તેમને ઇંગ્લેન્ડ મોકલવામાં આવ્યા હતા. ત્યાં તેઓ ચૌદ વર્ષ રહ્યા હતા. શરૂઆતમાં માંચેસ્ટરના એક અંગ્રેજી કુટુંબમાં રહી તેઓ 1884માં લંડનમાં સેન્ટ પોલ શાળામાં અભ્યાસ માટે જોડાયા. ત્યાંથી 1890 માં સાહિત્યની ઉચ્ચ શિષ્યવૃત્તિ મેળવી તેઓ કેમ્બ્રિજની કોંગ્ઝ કોલેજમાં ગયા હતા. ત્યાં તેઓએ બે વર્ષ અભ્યાસ કર્યો હતો.

13 વર્ષ સુધી વડોદરામાં રહ્યા

ઇંગ્લેન્ડ કનેક્શન :1890 માં તેઓએ ભારતીય મુલ્કી સેવા માટે યોજાયેલી જાહેર પરીક્ષા પાસ કરી હતી. પરંતુ અજમાયશી તરીકે બે વર્ષ પછી ઘોડેસવારીની પરીક્ષામાં તેઓ સમયસર હાજર ન રહ્યા. તેથી તેઓ આ સેવા માટે ગેરલાયક ઠર્યા હતા. તે સમયે વડોદરાના ગાયકવાડ લંડનમાં હતા. અરવિંદ ઘોષ તેમને મળ્યા અને વડોદરા રાજ્યની આ પ્રકારની નોકરીમાં નિમણૂક મેળવી હતી. તેમણે ફેબ્રુઆરી 1893માં ઈંગ્લેન્ડ છોડ્યું હતું. તેથી જ પશ્ચિમની સંસ્કૃતિના સાહિત્યિક રંગથી તેમનું મન પોષાતું હતું અને વિકાસ પામ્યું હતું. છતાં તેમનો આત્મા આવા સંસ્કારથી વણ સ્પર્શી રહ્યો હતો. તેમના હૃદયનો સ્નેહ ભારત તરફ વળ્યો હતો. તેમની ઇચ્છાશક્તિ ભારતની મુક્તિ માટે લડવા અને સહન કરવા અગ્નિની પેઠે પ્રદીપ્ત થઇ હતી.

વડોદરામાં નિવાસસ્થાન

13 વર્ષ સુધી વડોદરામાં રહ્યા : અરવિંદ ઘોષે 1893 થી 1906 સુધીના તેર વર્ષ વડોદરા રાજ્યની સેવામાં વિતાવ્યા હતા. પ્રથમ પતાવટ અને મહેસૂલી વિભાગ, પછી મહારાજાના અંગત દફતર, પછી અંગ્રેજીના પ્રાધ્યાપક તરીકે અને અંતે વડોદરાની કોલેજમાં ઉપાચાર્ય તરીકે તેમણે કામ કર્યું. આ વર્ષો ભારતીય સંસ્કૃતિ વડે રંગાવાના અને સાહિત્યિક પ્રવૃત્તિઓના વર્ષો હતા. કેમ કે પછીથી પોંડિચેરીમાં છપાયેલી ઘણી કવિતાઓ અહીં લખાયેલી છે. આ વર્ષો પોતાના ભાવિ કાર્ય માટેની તૈયારીના પણ હતા. ઇંગ્લેન્ડમાં તેમના પિતાની સૂચના પ્રમાણે તેમને પશ્ચિમની જ કેળવણી મળી હતી. ભારતની અને પૂર્વના દેશોની સંસ્કૃતિ સાથે તેમને કોઈ સંપર્ક થયો ન હતો.

રેસકોર્સ રોડ પરનો બંગલો

બંગાળના ભાગલા : આ અંગે અરવિંદ સોસાયટીના સેક્રેટરી કૈલાશ જોષીએ જણાવ્યું હતું કે, 1905માં બંગાળના ભાગલા પડ્યા હતા. તે સમયે તેઓએ ભારતમાતાની મુક્તિ માટેની તક જોઈ હતી. તેઓએ આ તકને ઝડપી લેવા માટે તૈયારી બતાવી હતી. તે સમયે વડોદરા રાજ્યની અંદર યુનિવર્સિટીમાં અંગ્રેજીના અને ફ્રેંચના પ્રોફેસર હતા. તેઓ કોલેજના વાઇસ પ્રિન્સિપાલ હતા અને તે વખતે તેઓનો પગાર 750 રૂપિયા હતો.

વાઇસ પ્રિન્સિપાલની નોકરી છોડીને તેઓ કોલકાતાની બંગાળ નેશનલ કોલેજમાં પ્રિન્સિપાલ તરીકે માત્ર 150 રૂપિયાની નોકરીમાં ગયા હતા. તેઓનો હેતુ માત્ર ભારત માતાની સેવા કરવાનો હતો. એટલા માટે તેઓએ પૂર્ણપણે ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં ઝંપલાવી દીધું. કોઈ પણ જાતનું વેતન તેમને ક્યારેય ત્યાં લીધું નથી. એટલે આ રીતે અરવિંદ ઘોષનું તદ્દન તપસ્વી અને ત્યાગમય જીવન ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં જોટો મળે તેમ નથી.--કૈલાશ જોષી (સેક્રેટરી, અરવિંદ સોસાયટી)

વડોદરામાં નિવાસસ્થાન :તે સમયે ભારતમાં દેશી રાજ્યો હતાં. તેમાંથી વડોદરાના ગાયકવાડ ખૂબ બુદ્ધિશાળી હતા. અરવિંદ ઘોષ ઇંગ્લેન્ડમાં હતા ત્યારે ગાયકવાડ પણ ત્યાં હતા. સર હેનરી અરવિંદ ઘોષ કિલેદારના મકાનમાં રહેતા હતા. બીજું એક નિવાસસ્થાન રેસકોર્સ રોડ પરનો બંગલો હતું. સપ્ટેમ્બર 1903માં કેમ્બ્રિજની કિંગ્સ કોલેજના પત્રના જવાબમાં અરવિંદ ઘોષે પોતાનું સરનામું રેસકોર્સ રોડ, વડોદરા અથવા બરોડા ઓફિસર્સ ક્લબ, બરોડા જીમખાના - એમ દર્શાવેલ છે. પરંતુ તેમના વડોદરા નિવાસ દરમિયાન મોટાભાગનો સમય તેમના મિત્ર ખાસીરાવ જાદવના બંગલામાં વીત્યો હતો. આ બંગલો 15, દાંડિયા બજાર, મહારાજાએ ખાસ ખાસીરાવ માટે બાંધ્યો હતો. તે 1896માં બંધાઇને તૈયાર થયેલો. આ સમય દરમિયાન અરવિંદ ઘોષને ખાસીરાવ સાથે પહેલી ઓળખાણ થઇ હતી.

વડોદરામાં વિકાસ

વડોદરામાં વિકાસ : વડોદરામાં આ ઉણપ પૂરી કરી તેઓ સંસ્કૃત શીખ્યા અને કેટલીક ભારતીય ભાષાઓ પણ શીખ્યા હતા. જેમાં ખાસ કરીને મરાઠી અને ગુજરાતી ભાષા શીખ્યા હતા. આ બે વડોદરા રાજયની વહીવટની ભાષાઓ હતી. તેઓ બંગાળી ઝડપથી શીખ્યા અને મોટેભાગે પોતાના જ પ્રયાસથી સંસ્કૃત પર અદ્ભૂત પ્રભુત્વ મેળવ્યું. ત્યારબાદ ભારતની વિશાળ વિરાસતનો ભંડાર તેમના માટે ખૂલી ગયો. ઉપનિષદો, ગીતા, પુરાણો, રામાયણ અને મહાભારત, મહાકાવ્ય, કાલિદાસના નાટકો વગેરેનો તેઓએ અભ્યાસ કર્યો હતો. પ્રાચીન આધ્યાત્મિક સંસ્કૃતિ અને અણથક સર્જનાત્મક શક્તિવાળા શાશ્વત ભારતે તેમના આશ્ચર્ય પામતી નેત્રો સમક્ષ પોતાને ખુલ્લું મૂકી દીધું. તેમણે ભારતની અદ્વિતીય મહાનતાનું રહસ્ય મેળવી લીધું. ભારતની મહાનતા શોધતાં-શોધતાં તેમણે પોતાને શોધી કાઢ્યા. તેમના આત્માની મહાનતાને શોધી કાઢી અને આ કામ સિદ્ધ કરવા તેમનો આત્મા અહીં આવ્યો હતો તેને પણ શોધી કાઢ્યું હતું.

આશ્રમની હયાતી

કલકત્તા ગમન :અરવિંદ ઘોષનો વડોદરામાં નિવાસનો છેલ્લા વર્ષોનો સમય નોકરીમાંથી રજા લઇ ગુપ્ત રાજકીય પ્રવૃત્તિમાં વીત્યો હતો. વડોદરા રાજ્યની નોકરીમાં હોવાને લીધે તેમને જાહેરમાં રાજકીય પ્રવૃત્તિ કરવાની મનાઈ હતી. 1905માં બંગાળના ભાગની વિરુદ્ધમાં જે આંદોલન થયું તેનાથી તેમને વડોદરા રાજ્યની નોકરી છોડી અને ખુલ્લેઆમ રાજકીય ચળવળ ચલાવવાની તક મળી હતી. તેમણે વડોદરા 1906માં છોડ્યું અને નવી સ્થપાયેલ બંગાળ રાષ્ટ્રીય કોલેજના આચાર્ય તરીકે તેઓ કલકત્તા ગયા હતા. તેમના રાજકીય જીવન અંગેનું પ્રકરણ આ પ્રસંગોને વિસ્તૃત રીતે દર્શાવે છે. તે રાષ્ટ્ર કર્મો જેણે તેમના જીવનમાં અગ્નિ પેટાવવાનું કામ કર્યું હતું. તેઓ જ્યાં જન્મ્યા હતા તે દેશની મુક્તિ અને મહાનતામાં સીમિત ન હતું. પરંતુ એ જોઈ શકાય છે કે, એ ભારતમાતા પ્રત્યેની ભક્તિ હતી. એવું ભારત કે જે સર્વોચ્ચ આધ્યાત્મિક જ્ઞાન અને માનવજાતની શ્રેષ્ઠ આધ્યાત્મિક સિદ્ધિનો ભંડાર હતું.

અરવિંદ ઘોષના સંગ્રહ

દેશી રાજ્યો : અરવિંદ ઘોષનો વડોદરામાં સ્થિત નિવાસ તેમની પ્રારંભની સાધના અને વિવિધ આધ્યાત્મિક અનુભવ વિશે ઉલ્લેખ કરે છે. તેમાં તેમનાં ચાર મહાન સ્વપ્નમાંથી બે વિશે ઉલ્લેખ છે કે, જેના પર તેમનો યોગ અને આધ્યાત્મિક ફિલસૂફી પ્રતિષ્ઠિત છે. તે ઉપરાંત છેલ્લે છેલ્લે પોંડિચેરી જવાના તેમના ઓચિંતા નિર્ણય વિશે તથા જે પગલાઓ પર ચાલી તેઓ અંતે પોતાના લક્ષ્ય પર પહોંચ્યા તેનો ઉલ્લેખ છે.

  1. Vadodara Library: અનોખી લાયબ્રેરી,લાઈટ ચાલું કર્યા વગર જ વેઢા જેવડી કિતાબ વાંચી શકાય
  2. Vadodara News : વડોદરામાં 200 વર્ષ જૂની હવેલીને લઈ વિવાદ, બિન હિન્દુને મિલકત વેચવી નહીં તેવા પોસ્ટર લાગ્યા

ABOUT THE AUTHOR

...view details