ગુજરાત

gujarat

ETV Bharat / state

કરજણ નગરપાલિકાએ દેવાળું ફૂંક્યું ! અધધ 1 કરોડનું વીજ બિલ બાકી નીકળતા વીજ વિભાગે નોટિસ ફટકારી

વડોદરાની કરજણ નગરપાલિકા હાલ ખાડે ગઈ હોય તેવો બનાવ સામે આવ્યો છે. કરજણ નગરપાલિકાએ છેલ્લા એક વર્ષથી વીજબિલ ન ભરતા MGVCL દ્વારા પાલિકા તંત્રને નોટિસ ફટકારવામાં આવી છે. આ વાત નગરપાલિકાના ચીફ ઓફિસરે સ્વીકારતા જણાવ્યુ હતું કે, કરજણ નગરપાલિકાનું રૂપિયા 1 કરોડ જેટલું વીજબિલ બાકી છે. જે ટૂંક સમયમાં ભરી દેવામાં આવશે, નગરજનોને કોઈ સમસ્યા નહીં પડે.

કરજણ નગરપાલિકાએ દેવાળું ફૂંક્યું !
કરજણ નગરપાલિકાએ દેવાળું ફૂંક્યું !

By ETV Bharat Gujarati Team

Published : Dec 2, 2023, 4:44 PM IST

વડોદરા :મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વીજબિલ ન ભરવા બદલ વડોદરા જિલ્લાની કરજણ નગરપાલિકાને નોટિસ ફટકારવામાં આવી છે. આ નોટિસમાં કરજણ નગરપાલિકાને ભરવાના થતા રૂપિયા 1 કરોડનું વીજબિલ ભરવાની તાકીદ કરવામાં આવી છે. આ બિલ ભરવા માટે વારંવાર નોટિસ આપવા છતાં કરજણ નગરપાલિકાએ અવગણના કરતા અંતે MGVCL દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને સંબોધન કરતી નોટિસ ફટકારવામાં આવી છે.

અધધ 1 કરોડનું વીજબિલ બાકી :જાણવા મળતી માહિતી મુજબ કરજણ નગરપાલિકા વહીવટ તંત્ર ખાડે ગયું હોય તેમ લાગી રહ્યું છે. મધ્ય ગુજરાત વીજ કંપનીમાં કરજણ નગરપાલિકાની છેલ્લા એક વર્ષથી રૂપિયા 1 કરોડ જેટલી રકમ બાકી નીકળી છે. નગરપાલિકાનું વહીવટી તંત્ર પ્રજા પાસેથી વેરા વસુલાત અને અન્ય વસૂલાતો કરતી આવી છે. જ્યારે વીજબીલ પાલિકાએ સ્વભંડોળમાંથી ભરવાનું હોય છે. પરંતુ આ બિલ કોઈ કારણોસર ભરવામાં આવ્યું નથી. ત્યારે કરજણ નગરપાલિકા પર એક મોટો સવાલ ઉભો થવા પામ્યો છે.

કરજણ નગરપાલિકાનું મધ્ય ગુજરાત વીજ કંપનીમાં 1 કરોડ રૂપિયા જેટલું બિલ છેલ્લા એક વર્ષથી બાકી પડ્યું છે. પરંતુ કરજણ નગરપાલિકા સ્ટ્રીટ લાઈટનું બિલ રેગ્યુલર ભરપાઈ કરે છે. અમે ટૂંક જ સમયમાં આ બિલ ભરપાઈ કરી દઈશું અને નગરજનોને તકલીફ નહીં પડવા દઈએ. -- એમ.એ. સોલંકી (ચીફ ઓફિસર, કરજણ નગરપાલિકા)

કરજણ પાલિકાને MGVCL દ્વારા નોટિસ : હાલમાં ચાલતી ચર્ચાઓ મુજબ વહીવટી તંત્ર માત્રને માત્ર પ્રજા પાસેથી વસુલાત જ કરવામાં માનતું આવ્યું છે. પરંતુ જો વીજબિલ ભરવામાં નહીં આવે અને મધ્ય ગુજરાત વીજ કંપની વીજ કનેક્શન કાપી નાખશે તો કરજણ નગરજનોને પીવા માટેનું પાણી મેળવવા માટે વલખા મારવા પડે તો કોઈ નવાઈ નહીં.

વહીવટી તંત્રનો ખુલાસો : કરજણ નગરપાલિકાના ચીફ ઓફિસર એમ.એ. સોલંકીએ આ અંગે જણાવ્યું હતું કે, હાલ કરજણ નગરપાલિકાનું મધ્ય ગુજરાત વીજ કંપનીમાં 1 કરોડ રૂપિયા જેટલું બિલ છેલ્લા એક વર્ષથી બાકી પડ્યું છે. પરંતુ કરજણ નગરપાલિકા સ્ટ્રીટ લાઈટનું બિલ રેગ્યુલર ભરપાઈ કરે છે. આ બાકી નીકળતું બીલ વારી ગૃહ વિભાગનું વીજ બિલ બાકી પડે છે અને જે અમારે સ્વભંડોળમાંથી ભરવાનું હોય છે. અમે ટૂંક જ સમયમાં આ બિલ ભરપાઈ કરી દઈશું અને નગરજનોને તકલીફ નહીં પડવા દઈએ.

સરકારમાં દરખાસ્ત મૂકી : ચીફ ઓફિસર એમ.એ. સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે, સરકારમાં આ બાબતે પણ અમે જોડાવા માટેની દરખાસ્ત મૂકી છે અને જાન્યુઆરી, ફેબ્રુઆરી, અને માર્ચ એમ ત્રણ માસમાં વેરા વસુલાતની મોટી માત્રામાં રકમ આવતી હોવાથી આ રકમ તે રકમમાંથી ભરપાઈ કરી દેવામાં આવશે. પરંતુ નગરજનોને અગવડ નહીં પડવા દઈએ.

વિકાસલક્ષી કાર્યમાં અડચણ : સરકાર દ્વારા પ્રજાને અગવડ ન પડે તે માટે વિકાસ કાર્યોને લગતી વિવિધ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે. તેના દ્વારા જ સ્થાનિક વહીવટી તંત્ર જેમ કે નગરપાલિકા, તાલુકા પંચાયતને વિકાસને લગતા કામો પૂર્ણ કરવાની જવાબદારી સોંપવામાં આવે છે. પરંતુ અંધેર વહીવટના કારણે આવી સંસ્થાઓ સરકારના સ્વપ્નને સાકાર કરી શકતી નથી.

  1. વડોદરાઃ કરજણ નગરપાલિકાના સભ્ય અને કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, 4 દિવસ માટે પાલિકા બંધ
  2. હાથના કર્યા હૈયે વાગ્યા જેવી સ્થિતિ કરજણ નગરપાલિકાની, નાગરિકનો જીવ જોખમમાં

ABOUT THE AUTHOR

...view details