વડોદરા: હાલમાં દેશ-વિદેશમાં કોરોના વાઇરસની મહામારીના પગલે મોટાભાગની હોસ્પિટલોમાં વિવિધ પ્રકારની બીમારીઓના દર્દીઓની રોજિંદા ચાલતી સારવારો એકાએક બંધ કરી દીધી છે, ઉપરાંત ડરના માર્યા લોકો હવે હોસ્પિટલ જવાનું ટાળી રહ્યા છે. જેને લઈ સરકારની ગાઇડલાઇન મુજબ વડોદરા જિલ્લા ક્ષય અધિકારી ડૉક્ટર મીનાક્ષીબેનના માર્ગદર્શન હેઠળ ડભોઇ શહેર-તાલુકામાં ટીબીના દર્દીઓ શોધવા માટે સી.એચ.સી ડભોઇમાં ડિજિટલ એક્ષ-રે મોબાઈલ સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં ટીબીના શંકાસ્પદ દર્દીઓને વિનામૂલ્યે એક્ષ-રે, ગળાની તપાસ અને ડાયાબિટીસ જેવા ટેસ્ટો વિના મૂલ્યે કરવા માટેનો કેમ્પ ગોઠવવામાં આવ્યો હતો.
વડોદરા જિલ્લામાં ટીબીના દર્દીઓને શોધવા ડિજિટલ એક્ષ-રે મોબાઈલ સેવા શરૂ
કોરોનાના ભયના ઓથા હેઠળ રાબેતા મુજબની જરૂરી ચકાસણીથી પીછે હઠ કરતાં ટીબીના દર્દીઓને શોધી જરૂરી સારવાર આપવા માટે જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા ડભોઈમાં ડિજિટલ એક્ષ-રે મોબાઈલ સેવા શરૂ કરવામાં આવી છે.
જેમાં શંકાસ્પદ દર્દીઓ શોધીને ગળાની સારવાર કરવામાં આવે તો કોમ્યુનિટી ટ્રાન્સમિશન અટકાવવામાં ઘણી મદદ મળી શકે તેમ છે. આ કામગીરીમાં તાલુકા હેલ્થ ઓફિસર ગુડિયા રાની અને તમામ તાલુકાના જનરલ હેલ્થ સ્ટાફ તેમજ આશાવર્કરોના આયોજન મુજબ ડભોઇ શહેર તાલુકાના 120 જેટલા દદીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. આ કેમ્પમાં ટેસ્ટ દરમિયાન સાત ટીબીના દર્દીઓ મળી આવ્યા હતા. તેઓની આગળની સારવાર શરૂ કરવામાં આવી છે. ત્યારે સરકારના આ અભિગમને લઈને ડભોઇ શહેર-તાલુકાના રેફરલ હોસ્પિટલ ખાતે પણ ડિજિટલ એક્ષ-રે ની વ્યવસ્થા થાય તેવી લોકમાંગ ઉઠી છે.