- વડોદરામાં તસ્કોરોનો રખાટ
- તસ્કરો દ્વારા પાન કોર્નરમાંથી 1 લાખ રૂપિયાની સીગારેટોની ચોરી
- રેડીમેઇડ કપડાંના 2 શો રૂમ સહિત 17 દુકાનોના તાળાં તોડી
વડોદરાઃ રાત્રિ કરફ્યૂ અને શિયાળાની ઠંડીનો લાભ લઇ તસ્કરોએ મોડી રાત્રે બાજવા-કોયલી રોડ પર આતંક મચાવ્યો હતો. તસ્કરોએ એક કલાકમાં બાજવા-કોયલી રોડ પર આવેલા સાગર રેસિ કમ પ્લાઝામાં ત્રાટકેલા તસ્કરો એક કલાકમાં રેડીમેઇડ કપડાંના બે શો રૂમ સહિત 17 દુકાનોના તાળાં તોડી રોકડ અને સામાન સહિત લાખોનો મુદ્દામાલની ચોરી કરી હતી. તસ્કરો એક પાન કોર્નરમાંથી 1 લાખ રૂપિયાની સીગારેટો પણ ચોરી કરી ગયા હતા. મોડી રાત્રે ત્રાટકેલા તસ્કરોએ એક સાથે 17 દુકાનોના તાળાં તોડ્યા હતા. મચાવેલા આતંકે પોલીસ તંત્રના રાત્રિ પેટ્રોલિંગના ધજાગરા ઉડાવ્યા હતા.
વડોદરામાં રાત્રિ કરફ્યૂ હોવા છતાં દુકાનોના તાળા તૂટ્યા બાજવા કોયલી રોડ પર 17 દુકાનોમાં ચોરી
વડોદરા નજીક બાજવા-કોયલી રોડ ઉપર પાંચ મજલી સાગર રેસી કમ પ્લાઝા નામનું કોમ્પ્લેક્ષ આવેલું છે. આ કોમ્પ્લેક્ષમાં 7 દુકાનો ધરાવતો રજવાડા રેડિમેઇડ કપડાંનો ભવ્ય શો રૂમ, 5 દુકાનો ધરાવતો રેડીમેઇડ કપડાંનો ફેશન પોઇન્ટ નામનો શો રૂમ, પ્રોજેક્ટ હાર્ડવેર, ગુરૂકૃપા પાન કોર્નર ઉપરાંત ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રીકલ સહિત વિવિધ ચીજવસ્તુઓના વ્યવસાયની દુકાનો આવેલી છે.
રાત્રી કરફ્યૂ હોવાથી ચોરો બિન્દાસ્ત
રાત્રિ કરફ્યૂ અને શિયાળાની ઠંડીનો લાભ લઇ તસ્કરોએ મોડી રાત્રે 1 વાગે કોમ્પ્લેક્ષની દુકાનોને નિશાન બનાવી હતી અને તે બાદ તબક્કાવાર એક કલાકના સમયમાં કોમ્પ્લેક્ષ સ્થિત 17 જેટલી દુકાનોના તાળાં તોડ્યા હતા અને દુકાનોમાંથી રોકડ તેમજ સામાનની ચોરી કરી હતી. ગુરૂકૃપા પાન કોર્નરમાંથી રૂપિયા 1 લાખની કિંમત ચોરી થઇ હતી.
CCTVમાં તસ્કરોની કરતૂત કેદ
દુકાનો ખોલવા માટે આવેલા માલિકોને કોમ્પ્લેક્ષમાં ચોરી થઇ હોવાની જાણ થતાં ચોંકી ઉઠ્યા હતા. સાગર કોમ્પ્લેક્ષમાં ચોરી થઇ હોવાની વાત વાયુવેગે પ્રસરી જતાં સ્થાનિક લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. આ સાથે આ બનાવની જાણ જવાહર નગર પોલીસને થતાં પોલીસ જવાન પ્રવિણભાઇ સ્ટાફ સાથે દોડી આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં અને કોમ્પ્લેક્ષ સ્થિત CCTV ફૂટેજની તપાસમાં તસ્કરો મન્કી ટોપી, હેન્ડ ગ્લોઝ પહેરીને ત્રાટક્યા હતા. તસ્કરો સરદારજી હોવાનું પણ અનુમાન સેવાઇ રહ્યું છે.
રાત્રી પીલીસની પેટ્રોલિંગ પોકળ સાબિત
બાજવામાં એક સાથે 17 જેટલી દુકાનોના તાળાં તુટતા વેપારીઓ અને સ્થાનિક લોકોએ પોલીસ તંત્રના રાત્રિ પેટ્રોલિંગ ઉપર સવાલો ઉઠાવ્યો હતો. લોકોએ જણાવ્યું હતું કે, પોલીસ તંત્રનું રાત્રિ પેટ્રોલિંગ કાગળ ઉપરજ ચાલી રહ્યું છે. પોલીસ તંત્રને માત્રને માત્ર સામાન્ય લોકોને ખોટી રીતે હેરાન કરવામાં અને દંડ વસુલ કરવામાંજ રસ છે. અને દારુ-જુગારના ધંધા કરનારાઓને શોધી તેઓની પાસે પૈસા પડાવવામાં જ રસ છે. બાજવામાં મોડી રાત્રે બનેલા ચોરીના આ બનાવે હાહાકાર મચાવી મૂક્યો છે. બીજી બાજુ આ બનાવ અંગે જવાહરનગર પોલીસે વેપારીઓની ફરિયાદોના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે ચોરીનો ભેદ ઉકેલવા ડોગસ્ક્વોડ અને ફીંગર પ્રિન્ટ નિષ્ણાંતોની મદદ લઇ તપાસ શરૂ કરી છે.