વડોદરા: શહેર નજીક આવેલા શેરખી ગામના રહેવાસી શિલ્પાબહેન વિક્રમસિંહ પરમારની સારવાર કોયલી ગામ ખાતે આવેલી બીના ગોપાલ મલ્ટી સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલમાં ચાલતી હતી. બુધવારે તેઓને હોસ્પિટલમાં ડિલિવરી માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓની ડિલિવરી દરમિયાન તબિયત વધુ બગડી હતી. તેઓને વેન્ટિલેટરની જરૂર હોવાથી હોસ્પિટલ દ્વારા એમ્બ્યુલન્સ દ્વારા સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ તેઓને કોઇક કારણસર દાખલ કરવામાં ન આવતા ગોત્રી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું મોત નીપજ્યું હતું.
વડોદરા નજીક શેરખી ગામની સગર્ભા મહિલાનું પ્રસુતિ દરમિયાન મોત, પરિવારજનોએ મચાવ્યો હોબાળો - સગર્ભા મહિલાનું પ્રસુતિ દરમિયાન મોત
વડોદરા નજીક શેરખી ગામની સગર્ભા મહિલાનું પ્રસુતિ દરમિયાન મોત થતાં પરિવારજનોએ કોયલી ગામ ખાતે આવેલી બીના ગોપાલ મલ્ટી સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. આ ઉપરાંત સામાજીક કાર્યકરોએ પણ વિરોધ વ્યક્ત કર્યો હતો.
શિલ્પાબહેનનું મોત થતાં પરિવારજનો, સામાજિક કાર્યકરો હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. તેમજ હોસ્પિટલના તબીબો ઉપર યોગ્ય સારવારના અભાવે શિલ્પાબહેનનું મોત નીપજ્યું હોવાનો આક્ષેપ મૂકીને હોબાળો મચાવ્યો હતો. હોસ્પિટલ ખાતે હોબાળો મચાવતા પોલીસ પણ દોડી આવી હતી અને મામલો થાળે પાડ્યો હતો. જ્યારે પરિવારજનો દ્વારા બીના ગોપાલ મલ્ટી સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલના ડોકટર સામે આક્ષેપ કરવામાં આવ્યો હતો.
આ અંગે બીના ગોપાલ મલ્ટી સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલના ગાયનેકોલોજીસ્ટ ડોક્ટરે જણાવ્યું હતું કે, પ્રસુતા શિલ્પાબેનનું ત્રીજુ સિઝિરિયન હતું. ત્રીજુ સિઝિરિયન ક્રિટીકલ હોય છે. પરિવારને અગાઉથી ધ્યાન દોરવામાં આવ્યું હતું કે, 6 યુનિટ બ્લડની તૈયારી રાખજો. ડિલિવરી દરમિયાન રક્તસ્ત્રાવ વધુ થતું હોય છે. પરિવારજનોએ બ્લડની વ્યવસ્થા કરી, ત્યારે બહુ મોડુ થઇ ગયું હતું. તેમ છતાં મહિલાની સિઝિરિયન ડિલિવરી કરવામાં આવી હતી. પરંતુ, વધુ રક્તસ્ત્રાવ થવાને કારણે તેઓને વેન્ટિલેટર આપવું જરૂરી હતું. જેથી અમે લોકો મહિલાને એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં કોરોનાની સ્થિતિના કારણે દાખલ ન કરવામાં આવતા બે કલાક જેવો સમય વીતી ગયો હતો. બાદમાં તેઓને ગોત્રી હોસ્પિટલમાં લઇ ગયા હતા. આમ વેન્ટિલેટરની સુવિધા ઉપલબ્ધ થાય ત્યાં સુધી સાડા ત્રણ કલાક જેટલો સમય પસાર થઇ ગયો હતો. જેથી મહિલાને ડિલિવરી સમયે સમયસર બ્લડ ન મળતા અને તે બાદ સમયસર વેન્ટીલેટરની સુવિધા ઉપલબ્ધ ન થતાં તેઓનું મોત નીપજ્યું હતું.