ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ સાથે અકસ્માત સહિત 304ની કલમો આધારે ફરિયાદ દાખલ વડોદરા : શહેરના અકોટા-મુજમહુડા રોડ પર નશામાં ધૂત BMW કારના ચાલકે બાઇક સવાર દંપતીને રવિવારે રાત્રે અડફેટે લીધું હતું. જેમાં ગંભીર રીતે ઘાયલ દંપતિને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતું. જેમાં પત્નીનું મોત નિપજ્યું છે. પોલીસે આ મામલે કારમાં સવાર ચાર લોકોની ધરપકડ કરી લીધી છે. કારમાં સવાર ચારેય દારૂના નશામાં હતાં. નશામાં ધૂત આ નબીરાઓએ દંપતિની જિંદગી બગાડી છે. આ ઘટનામાં પોલોસે કારમાં સવાર ચારે નબીરાઓને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.
કાચ પર અથડાઇ ફંગોળાઇને નીચે પટકાયું દંપતિ : પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના અકોટા વિસ્તારમાં આવેલ સિધરા એપાર્ટમેન્ટમાં રહેતા અયાજ અહેમદ શેખ અને તેમની પત્ની શાહીન રવિવારે રાત્રે તેમના સંબંધીને મળવા ગયા હતા. આ દરમિયાન રાત્રે નવ વાગ્યા આસપાસ રસ્તામાં આર.સી.એસ્ટેટ પાસે આવેલ નાયરા પેટ્રોલપંપ પર પેટ્રોલ પુરાવી મુજમહુડા અકોટા રોડ પરથી પસાર થતાં મુજમહુડા તરફથી પૂરપાટ આવતી BMW કારે બાઇકસવાર દંપતિને ટક્કર મારી હતી. જેથી દંપતિ કારના આગળના કાચ પર અથડાઇ ફંગોળાઇને નીચે પટકાયું હતું. આ હિટ એન્ડ રનની ઘટનાના દંપતિ ગંભીર રીતે ઘવાયું હતું.
આ પણ વાંચો Road Accident: પહેલા રિક્ષા ને પછી એસટી બસે ટક્કર મારતા MS યુનિવર્સિટીની વિદ્યાર્થિનીનું મોત
ગંભીર ઇજાઓને પગલે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા : આ ગંભીર અકસ્માતને પગલે અયાજ શેખને માથા, નાક અને પગે ઇજાઓ થઇ હતી તથા મોઢામાંથી લોહી નિકળવા લાગ્યું હતું. જ્યારે તેમની પત્ની શાહીનને પણ માથા તથા પગે ગંભીર ઇજાઓ થતાં લોહીલુહાણ થઇ ગઇ હતી. બનાવને પગેલ લોક ટોળા એકત્રિત થઇ ગયા હતા. આ દંપતિને લોકોએ 108 એમ્બ્યુલન્સને કોલ કરતા દંપતિને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. જેમાં શાહીન શેખનું ICUમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જ્યારે અયાજ શેખની સ્થિતિ સારી છે.
બીએમડબલ્યૂ કારમાં સવાર ચારે યુવક પૂરા નશામાં હતાં નશામાં ધૂત નબીરાએ એકનો જીવ લીધો : પોલીસે આ મામલે BMWના કાર ચાલક સ્નેહલ જિગ્નેશભાઇ પટેલ (રહે. અંબિકા નિકેતન સોસાયટી, મકરપુરા, વડોદરા)ની ધરપકડ કરી છે. સ્નેહલ પટેલ છાણી વિસ્તારમાં આવેલ કારના શો રૂમમાં નોકરી કરે છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ કાર સ્નેહલના મિત્રની હતી અને સ્નેહલ કાર લઇને નિકળ્યો હતો. BMW કારમાં ચાલક સ્નેહલ પટેલ તો દારૂના નશામાં હતો જ પણ કારમાં સવાર અન્ય ત્રણ યુવક વિશાલ ધોંડીરામ મોરે (રહે. દર્શનમ એવન્યુ, પરશુરામ ભઠ્ઠાની બાજુમાં, સયાજીગંજ વડોદરા), સદ્દામભાઇ મોહંમદઅલી શેખ (રહે. રિઝવાન ફ્લેટ, તાંદલજા, વડોદરા) અને મકસુદ મીરસાહબ સિંધા (રહે. સોહીલ પાર્ક, મરીયમ પાર્કની સામે, તાંદલજા, વડોદરા) દારૂના નશામાં ચૂર હતાં. જે.પી. રોડ પોલીસે કાર ચાલક સહિત ચારેયની ધરપકડ કરી છે.
આ પણ વાંચો Surat accident : વાલીઓ સાવધાન, પિતાનું બાઈક લઈને ચક્કર મારવા નીકળેલા વિદ્યાર્થીનું થયું મૃત્યુ
જે પી પોલીસ દ્વારા વધુ તપાસ : વડોદરામાં હિટ એન્ડ રનની ઘટનામાં જે.પી.રોડ પોલીસે BMW કારના ચાલક સ્નેહલ પટેલ સહિત સદ્દામ, મકસુદ અને વિશાલ મોરે સામે દારૂ પી કાર ચલાવી અકસ્માત સર્જાવાનો ગુનો દાખલ કરી ચારેયની ધરપકડ કરી છે. કાર કોની હતી અને આરોપીઓએ ક્યાંથી દારૂ પીધો તે અંગે હાલ તપાસ કરવામાં આવી રહી છે.
304ની કલમો આધારે ફરિયાદ હિટ એન્ડ રન બાબતે ડીસીપી ઝોન ટુ અભય સોનીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે રવિવારે રાત્રી દરમ્યાન નાયરા પેટ્રોલપંપ પાસે બનેલી આ ઘટનામાં દંપતીને BMW કારે જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં પત્નીનું મોત નીપજ્યું હતું. આ BMW કાર રાયપુર છત્તીસગઢથી લેવામાં આવી છે. આ કારના માલિક મુંબઈ રહે છે. આ ગાડીના રજિસ્ટ્રેશન માટે દમણ સેલવાસા લઈ જવાની હોઈ મિત્રો પાસેથી લઈ તેઓ નીકળ્યા હતાં. દરમ્યાન તેઓ ખુબજ નશામાં હોવાથી કાર પરથી કાબુ ગુમાવ્યો હતો અને આ દંપતિને અડફેટે લીધું હતું. આ મામલે ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ સાથે અકસ્માત સહિત 304ની કલમો આધારે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં 4 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. હાલમાં આ કાર છત્તીસગઢથી ખરીદાઈ છે અને માલિક મુંબઈ રહે છે સાથે તેનું રજિસ્ટ્રેશન અન્ય જગ્યાએ થવાનું છે. આ બાબતોને લઈ કોઈ ટેક્સ બચવા કોઈ કૌભાંડતો નથી તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે.