વડોદરા : ડભોઇમાં એસ.ટી.ડેપો નજીક આવેલી ચાર જેટલી સોસાયટીઓમાં આશરે 500 થી 600 મકાનના રહીશોને પ્રાથમિક સવલતો ન મળતાં ભારે આક્રોશ ફેલાયો છે. વારંવાર પાલીકા કચેરીમાં રજૂઆત કરવા છતાં સોસાયટીમાં પાણીનો નિકાલ થતો નથી. આ સાથે ડ્રેનેજના ઢાંકણા પણ ખુલ્લા હોય છે. તેમજ રાત્રીના સ્ટ્રીટ લાઈટો બંધ હોવાને પગલે ખુલ્લા ઢાંકણામાં પડવાનો ભય સોસાયટીના રહીશોમાં સેવાઈ રહ્યો છે. ત્યારે ઉચ્ચ અધિકારીઓ સુધી લેખિત તેમજ મૌખિક જાણ કરવા છતાં સોસાયટીની સમસ્યાઓ હલ ન થતાં છેવટે રહીશો રોડ ઉપર ઉતરી આવી સૂત્રોચ્ચાર કર્યા હતા.
ડભોઇની સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધા નહીં મળતા રહીશોએ વિરોધ પ્રદર્શન કર્યું - ડભોઇમાં પ્રાથમિક સુવિધાનો અભાવ
ડભોઈની સોસાયટીઓમાં છેલ્લાં ઘણા સમયથી પ્રાથમિક સુવિધાઓનો અભાવ તેમજ ઉભરાતી ડ્રેનેજોના દૂષિત પાણીને કારણે ત્રાહિમામ પોકારી ઉઠેલા રહીશોનો રોષ ભભૂકયો હતો.

ડભોઇ એસ.ટી.ડેપો નજીક પાલીકા હદ વિસ્તારની 4 સોસાયટીઓ અક્ષર ઉપવન , પંચવટી સોસાયટી , ઝવેર નગર સોસાયટી ,જલારામ મંદિર નજીક ગણેશ નગર સોસાયટીમાં આશરે 500 થી 600 જેટલા મકાનોમાં રહીશો વસવાટ કરે છે. આ સોસાયટીના રહીશોને પ્રાથમિક સવલતો જેમાં સ્ટ્રીટ લાઇટ , ડ્રેનેજ લાઇનના ઢાંકણા ખુલ્લા , વરસાદી પાણીના નિકાલ , પીવાના પાણીની સમસ્યા સહિત અનેક સમસ્યાઓનો કાયમી નિકાલ આવતો ન હોવાથી સોસાયટીના રહીશો દ્વારા અવાર નવાર પાલીકા કચેરી ખાતે લેખિત તેમજ મૌખિક અરજીઓ કરવામાં આવી છે. પરંતુ આ સમસ્યાઓનો નિકાલ થતો નથી.
સાથે સાથે સોસાયટીના રહીશોના 6 જેટલા મુદ્દાઓ જેમાં જમીન લેવલે પાણી મળતું નથી , સ્ટ્રીટ લાઇટો બંધ છે , ડ્રેનેજ ઉભરાય છે તેમજ ઢાંકના ખુલ્લા છે , અક્ષર ઉપવન સોસાયટીથી નગરપાલીકા શોપિંગ સેન્ટર સુધીના રોડ ઉપર મકાનની બહાર ઓટલાઓ તેમજ રોડ ઉપર વાહનો પાર્ક કરી રસ્તાનો અવરોધ દૂર કરવા રજૂઆત કરી હતી.