- તહેવારો નજીક આવતા બુટલેગરો-કેરિયરો સક્રિય બન્યા
- વિદેશી દારૂની બોટલો ભરેલી રીક્ષા ઝડપાઈ
- રિક્ષાચાલકની ધરપકડ કરવામાં આવી
વડોદરા:ડભોઈ પોલીસે દારૂની હેરાફેરી કરતાં કેરિયરને ઝડપી લેતાં બુટલેગરોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. જેમાં પોલીસે વિદેશી દારૂની બોટલો સાથે રિક્ષાચાલકની ધરપકડ કરી હતી.
ડભોઇ પોલીસે બાતમી મળતા વોચ ગોઠવી
મળતી માહિતી અનુસાર ડભોઇ પોલીસને બાતમી મળી હતી કે, એક ઓટોરિક્ષામાં દારૂની હેરફેરી કરતો શખ્સ બોડેલીથી ડભોઇ તરફ આવી રહ્યો છે. જે અરસામાં ડભોઇ પોલીસ અધિકારી જે.એમ. વાઘેલાની સૂચના અનુસાર વિદેશી શરાબની હેરાફેરી કરતાં શખ્સની મળેલી બાતમીના આધારે હેડ કોન્સ્ટેબલ રામજીભાઈ દેવાભાઈ ડભોઇ તાલુકાના પણસોલી ગામ બસ સ્ટેન્ડથી અકોટાદર તરફ જવાના રોડ પર વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી ઓટો રીક્ષાના ચાલકને ઉભો રાખી રિક્ષામાં તપાસ કરતા તેની પાસેથી કિંમત રૂપિયા 8,360ની પ્લાસ્ટિકની દારૂની બોટલ સાથે એક મોબાઈલ, રીક્ષા સહિત કુલ રૂપિયા 1,35,360 નો મુદામાલ કબ્જે કરી રીક્ષાચાલકની ધરપકડ કરી હતી.
પોલીસે 1,35,360 નો મુદ્દામાલ કબ્જે કર્યો
આ બનાવ અંગે ડભોઈ પોલીસે ઓટો રીક્ષા કિંમત રૂપિયા 1,20,000, 1 નંગ મોબાઇલ રૂપિયા 7,000 કુલ મળી રૂપિયા 1,35,360 ના મુદ્દામાલ સાથે મુકેશભાઈ ચંદ્રસિંહ વસાવાની ધરપકડ કરી તેની વધુ પૂછપરછ કરી હતી. તેમજ આ વિદેશી શરાબ વિમલભાઈ ચીમનભાઈ પાટણવાડીયાએ મંગાવેલો હોવાનું જણાવ્યું હતું. પોલીસે રિક્ષાચાલક મુકેશ વસાવા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી તેની અટકાયત કરી હતી. જ્યારે દારૂ મંગાવનાર વિમલ પાટણવાડીયાને ભાગેડુ જાહેર કરી તેની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.