વડોદરાઃ કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા માટે દેશભરમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. જ્યારથી વડોદરા લોકડાઉન કરવામાં આવ્યું છે, ત્યારથી પોલીસ તંત્ર સહિત સરકારી તંત્ર અને સામાજિક સંસ્થાઓ દ્વારા જમવા સહિતની સહાય વિવિધ વિસ્તારોમાં પૂરી પાડી રહ્યું છે. વડોદરા શહેરના કિશનવાડીમાં આવેલા વુડાના મકાનોમાં રહેતા લોકો કહે છે કે, અમે 22 માર્ચથી સવારે રાંધેલું જમવાનું રાત્રે જમીને દિવસો પસાર કરી રહ્યા છે.
કોરોના વાઈરસઃ વડોદરામાં લોકડાઉનના કારણે ભુખથી ટળવળી રહ્યા છે લોકો - lockdown
વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં વુડાના મકાનમાં રહેતા લોકોને કોઇ સહાય ન પહોંચતા લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. 22 માર્ચથી સવારનું બનાવેલું ભોજન રાત્રે જમીને દિવસ પસાર કરી રહ્યા છે. સ્થાનિક મહિલાઓએ મીડિયા સમક્ષ પોતાની હૈયાવરણ ઠાલવી.
વુડાના રહીશોએ જણાવ્યું કે, 22 માર્ચથી અમે ઘરમાં બેઠા છીએ. મારો ચાની ગરણી વેચવાનો વ્યવસાય છે. એક દિવસ વેચવા નીકળ્યો હતો.માત્ર રૂપિયા 20 લઇને ઘરે આવ્યો હતો.જે ટલી રોકડ રકમ ઘરમાં હતી તે ખતમ થઇ ગઇ છે. દિવસ પસાર કરવા મુશ્કેલ થઇ ગયા છે. ઘરમાં નાના બાળકો છે. સવારે બનાવેલી રસોઇ રાત્રે ખાઇને દિવસો પસાર કરી રહ્યા છે. અમારે કોઇ આર્થિક મદદ જોઇતી નથી.અમોને માત્ર બે ટાઇમ જમવાનું મળે તેટલી મદદ કરો. અમે ઘરની બહાર નીકળીએ તો પોલીસ મારે છે.
સ્થાનિક એક મહિલાએ જણાવ્યું કે, હું લોકોના ઘરમાં વાસણ-કપડા ધોઇને પરિવારનું ગુજરાન ચલાવું છું. લોકડાઉન બાદ કામ કરવા જઇ શકી નથી. દિવસે દિવસે અમારી પરિસ્થિતિ ખરાબ થઇ રહી છે. ઘરમાં અનાજ કરિયાણું પુરૂ થઇ ગયું છે. અમને સહાયની જરૂર છે. ઘરમાં નાના બાળકો છે. અમે ઘરના મોટા વ્યક્તિ થોડું કાઇને બાળકોનું પેટ ભરાવી રહ્યા છે. 22 માર્ચથી અમે આજદિન સુધી કેવી રીતે દિવસો પસાર કર્યાં તે અમારું મન જાણે છે.