વડોદરા: વડોદરામાં આજે મંગળવારના એક જ દિવસમાં 606 જેટલા કોરોના પોઝિટિવ કેસ (Corona Case In Vadodara) સામે આવ્યાં છે. જેની ઝપેટમાં વડોદરાના માંજલપુર વિસ્તારના ધારાસભ્ય યોગેશ પટેલ (Manjalpur MLA Yogesh Patel) આવી ગયાં છે. આ સાથે ઓમિક્રોનના વધુ 8 કેસ (Omicron case In Vadodra) પ્રકાશમાં આવ્યાં છે.
જાણો શહેરમાં કુલ કેટલા કેસ એકટિવ છે?
વડોદરામાં કોરોનાના કેસ રોકેટગતિએ વધી રહ્યા છે, ત્યારે વડોદરા શહેર અને જિલ્લામાં આજે મંગળવારના 606 કેસ પોઝિટિવ આવ્યાં છે. આ સાથે જ વડોદરામાં કુલ 75,475 કોરોનાના પોઝિટિવ કેસનો આકંડો થયો છે અને 72,772 દર્દીઓ સાજા થઈ જતા રજા આપવામાં આવી છે. હાલ વડોદરામાં 2080 કોરોનાના એક્ટિવ કેસ છે. વડોદરામાં અત્યાર સુધીમાં 30,37,487 લોકોને વેકસીનના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં 57,997 કિશોરોનો સમાવેશ થાય છે અને 13,213 વયસ્કોને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યા છે.
ધારાસભ્ય યોગેશ પટેલ થયા કોરોના સંક્રમિત
વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને લઈને તેઓ હોમ આઇસોલેટ થયા છે. આ સાથે વડોદરાની MS યુનિવર્સિટીના જોઇન્ટ રજીસ્ટ્રાર મયંક વ્યાસ પણ કોરોના સંક્રમિત થયા છે. આ ઉપરાંત સાયન્સ ફેકલ્ટીના બોટની વિભાગની 6 વિદ્યાર્થિનીઓ સંક્રમિત થઇ છે.