ગુજરાત

gujarat

ETV Bharat / state

ફ્રાન્સમાં મોહમ્મદ પયગંબરના કાર્ટૂનનો વિવાદ વકર્યો, વડોદરા શહેરમાં પણ પડઘા પડ્યા

ફ્રાન્સમાં મોહમ્મદ પયગંબરના કાર્ટૂનને લઈને મુસ્લિમ બહુમતી ધરાવતા 10થી વધુ દેશમાં ગુસ્સો વધી રહ્યો છે. ત્યારે ફ્રાન્સની હિંસાના પડઘા હવે વડોદરા શહેરમાં પણ પડ્યા છે.

બાયકોટ ફ્રાન્સ
બાયકોટ ફ્રાન્સ

By

Published : Oct 30, 2020, 6:24 PM IST

  • ફ્રાન્સના ચર્ચ પર આતંકવાદી હુમલાની ઘટના
  • પયગંબરનું કાર્ટૂન બનાવવા બદલ ફ્રાન્સમાં એક શિક્ષકની હત્યા
  • ફ્રેન્ચ રાષ્ટ્રપ્રમુખ મેક્રોને આ ઘટનાને ‘ઈસ્લામિક આતંકી હુમલો’ ગણાવ્યો

વડોદરા : શહેરના રાવપુરા અને મચ્છીપીઠના નવાબવાડા વિસ્તારમાં ફ્રાન્સ વિરોધી પોસ્ટર લાગ્યા છે. જેમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનનો બોયકોટ કરવામાં આવ્યો છે. જેમાં રસ્તા પર પણ ફ્રાન્સના રાષ્ટ્રપતિના તસવીર સાથે બોયકોટ ફ્રાન્સનું પોસ્ટર લગાવવામાં આવ્યું છે. તેના પરથી લોકો અને વાહનો પસાર થઇ રહ્યા છે.

બાયકોટ ફ્રાન્સના નારા લાગ્યા

વડોદરા શહેરમાં લઘુમતિ કોમમાં ફ્રાન્સ સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. લઘુમતી કોમની ધાર્મિક લાગણી દુભાઇ હોવાના કારણે વડોદરા શહેરમાં ફ્રાન્સ વિરોધી બેનર્સ લાગ્યા છે. જેમાં 'કોમ અપને નબી કી શાન મે ગુસ્તકી કરને વાલે કે ખિલાફ ના બોલે ઉસ કોમ કો દુનિયા મેં જીને કા હક નહીં' તેવા લખાણ સાથેના બેનર્સ લગાવવામાં આવ્યા છે અને ફ્રાન્સની કોઇપણ વસ્તુ વેચવા કે, ખરીદવાની નહીં તેવી અપીલ કરવામાં આવી છે. લોકોએ ચપ્પલ મારીને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનની તસવીરને કાળી કરી હતી.

ફ્રાન્સમાં મોહમ્મદ પયગંબરના કાર્ટૂનનો વિવાદ વકર્યો

9 દેશો કરી રહ્યા છે ફ્રાન્સની ચીજ વસ્તુઓનો બહિષ્કાર

પયગંબર મોહમ્મદના કાર્ટૂનને લઈને મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોમાં ગુસ્સો વધી રહ્યો છે. સૌથી પહેલાં તૂર્કીએ આ મામલામાં ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોનના નિવેદનની ટીકા કરી હતી. ત્યાર બાદ સાઉદી અરબ, કતાર, જોર્ડન, લિબિયા, સીરિયા, કુવૈત અને પેલેસ્ટાઈને પણ ફ્રાન્સની ચીજવસ્તુઓનો બહિષ્કાર શરૂ કર્યો હતો. જે બાદ હવે પાકિસ્તાન અને ઈરાનની સાંસદે ફ્રાન્સ વિરુદ્ધ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ત્યારે હવે ભારતમાં પણ તેનો વિરોધ શરૂ થયો છે. શુક્રવારે વડોદરા શહેરના રાવપુરા અને મચ્છીપીઠના નવાબવાડા વિસ્તારમાં ફ્રાન્સ વિરોધી પોસ્ટર લાગ્યા છે.

પયગંબરનું કાર્ટૂન બનાવવા બદલ ફ્રાન્સમાં એક શિક્ષકની હત્યા

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ પયગંબરનું કાર્ટૂન બતાવવા બદલ ફ્રાન્સમાં એક શિક્ષકની હત્યા થઈ હતી. જે બાદ ફ્રાન્સમાં મોટા પાયે દેખાવો થયા હતા. આ દરમિયાન ફ્રેન્ચ રાષ્ટ્રપ્રમુખ મેક્રોને આ ઘટનાને ‘ઈસ્લામિક આતંકી હુમલો’ ગણાવ્યો હતો. તેમને કટ્ટરવાદી ઈસ્લામિક સંગઠનો સામે આકરી કાર્યવાહી કરવાની જાહેરાત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details