વડોદરા : ગુજરાત સરકારે રાજ્યમાં COVID-19 કોરોના વાયરસના ખોફને પગલે તમામ શાળાઓ અને કોલેજો 16મી માર્ચથી બે અઠવાડિયા માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. તેવી જ રીતે રાજ્યના તમામ 182 મલ્ટીપ્લેક્સ તથા 71 સિંગલ સ્ક્રીન અને સ્વિમિંગપુલ પણ બે સપ્તાહ બંધ રાખવાનું જાહેર કરાયું છે.
વડોદરાની ફતેગંજ વિસ્તારમાં કોરોનાને લઇ કોન્વેન્ટ સ્કૂલમાં સંચાલકો દ્વારા સાફ સફાઇ - વડોદરાની ફતેગંજ \
કોરોના વાયરસના કારણે રાજ્યની તમામ શાળા-કોલેજો બે સપ્તાહ સુધી બંધ રાખવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે વડોદરાની ફતેગંજ વિસ્તાર સ્થિત કોન્વેન્ટ સ્કૂલમાં સંચાલકો દ્વારા સાફ-સફાઈ કરવામાં આવી હતી.
આ તકે વડોદરા શહેરની ફતેગંજ વિસ્તારમાં આવેલી કોન્વેન્ટ સ્કૂલમાં શાળા સંચાલકો દ્વારા કોરોના વાયરસ અંગે તકેદારીના ભાગરૂપે સ્કૂલમાં સાફ-સફાઈ કરી કચરો એકત્ર કરી કપૂર, અને લીમડાનાં પાન સાથે કચરો સળગાવવામાં આવ્યો હતો. તેમજ સ્કૂલ કેમ્પસમાં ગ્રીનરી હોવાથી ડી.ડી.ટી.પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો હતો.
જ્યારે બીજી તરફ કોરોનાના કહેરને લઈ તમામ થિયેટર્સની માફક શોપિંગ મોલમાં પણ મોટી સંખ્યામાં લોકો એકત્ર થતાં હોવા છતાં શોપિંગ મોલ બંધ રાખવાનો કોઈ નિર્ણય લેવાયો નથી, ત્યારે વડોદરાના ખાનગી મોલમાં આવતાં નગરજનોનું મોલમાં સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ લોકોને સેનેટાઇઝરથી હાથ ધોવાં તેમજ માસ્ક પહેરવાની પણ અપીલ કરવામાં આવી રહી છે.